અમદાવાદના યુવકને યુકે સરકારનો એવોર્ડ

અમદાવાદઃ ગુજરાતના માધીશ પરીખે સાથી યુવા સ્વયંસેવકો અને ભારત સરકારના રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતાઓની સાથે મળીને વર્ષ ૨૦૧૫માં ‘એલિક્ઝિર ફોઉન્ડેશન’ની સ્થાપના કરી હતી. સમાજ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓમાં યુવા નેતૃત્વ દ્વારા સકારાત્મક પરિવર્તન લાવવા આ સંસ્થા ભારતભરમાં કાર્યરત છે.

હાલ સંસ્થા સાથે ૨૫૦૦થી વધુ સ્વયંસેવકો જોડાયેલા છે જેમના થાકી સમગ્ર ભારતમાં ૧ લાખથી પણ વધુ સંવેદનશીલ લોકોને સામૂહિક રીતે ટેકો આપવામાં આવે છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન રાષ્ટ્રીય સ્તરે કેમ્પેઇન હાથ ધરવામાં આવેલ જેના થાકી લગભગ ૩૬૦૦૦ થી વધુ લોકોને રાશનની મદદ, ૭૫૦૦ PPE-કિટ્સ, ૧૧૫ ઓક્સિજન સિલિન્ડરની ઓક્સિજન બેંક અને ૫૦૦૦ દવાની કીટ જરૂરિયાતમંદ લોકોને પૂરી પાડવામાં આવી તેમજ ફ્રન્ટલાઈન કામદારોને જરૂરી રક્ષણ માટે મદદ પૂરી પાડી હતી. આ માટે માધીશ પરીખને ‘કોમનવેલ્થ પોઈન્ટ્સ ઓફ લાઈટ’ એવોર્ડ આપવામાં આવ્યો છે.

“આ પુરસ્કાર માટે નામાંકિત થવું એ સૌથી મોટું સન્માન છે. આ પુરસ્કાર માત્ર મારા માટે જ નહીં, પરંતુ ૨૫૦થી વધુ યુવા સ્વયંસેવકોની મારી ટીમ માટે માન્યતાનું પ્રતીક છે જેમણે મહામારી દરમિયાન તેમના અવિરત પ્રયત્નો દ્વારા અસંખ્ય લોકોના જીવ બચાવ્યા. હું આ સમ્માન માટે હૃદયથી સૌનો આભારી છું. યુવાનો સાથેના મારા વર્ષોના કાર્યમાં, મને સમજાયું છે કે આજના યુવાનો ભવિષ્યની ચાવી છે. જો આપણે સૌ યુવાનોને સક્ષમ અને સશક્ત કરીશું તો તેઓ વિશ્વના સૌથી ગંભીર પડકારોને ઉકેલવામાં મદદ કરી શકે છે,” એમ  માધીશ પરીખે કહ્યું છે.

ભારત ખાતેના કાર્યવાહક બ્રિટિશ હાઈકમિશનર CMG OBE, જેન થોમ્પસને કહ્યું કે, “ક્લાઇમેટ ચેન્જ, સમાનતા, સાંસ્કૃતિક વારસો અને ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન સારી પ્રેક્ટિસનો સંચાર કરવાના, તેમના પ્રયાસો, નેતૃત્વ અને સક્રિયતાને માન્યતા આપતા આ એવોર્ડ માટે માધીશને ઘણા અભિનંદન.”

બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર, ગુજરાત અને રાજસ્થાન પીટર કૂકે કહ્યું કે, “યુવાનોને પ્રેરણા આપતા અને મુખ્ય મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવતા તેમના કાર્ય માટે માધીશને આ સમ્માન મળતા મને આનંદ થયો. માધીશ ઘણા મહત્વપૂર્ણ સામાજિક કારણોના પ્રખર સમર્થક રહ્યા છે અને અમને ગર્વ છે કે અમે તેમની સાથે અને એલિક્સિર ફાઉન્ડેશન સાથે આમાંના કેટલાક સામાજિક મુદ્દાઓ પર કામ કર્યું છે.”

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]