અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પરથી ફરીએકવાર દાણચોરી પકડાઈ છે. દાણચોરો દાણચોરી કરવા માટે સતત નવી અને અલગ અલગ ટેકનિક અપનાવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા મુસાફરો કમર બેલ્ટના હોલ સોનાના બનાવીને આવ્યા હતા. કસ્ટમની ટીમ દ્વારા આ મુસાફરોને ઝડપી તેમણે પહેરેલા બેલ્ટ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. બેલ્ટના હોલ ગોલ્ડના બનાવી તેના પર સિલ્વર પાણી ચઢાવવામાં આવ્યું હતું અને આ રીતે તેઓ દાણચોરી કરતા હતા.
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર મુંબઇથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હરિયાણાના બે પેસેન્જર આવ્યા હતા. આ પેસેન્જર જેવા મેટલ ડિટેકશનમાંથી નીકળ્યા એટલે તેમને ત્યાંની કસ્ટમની ટીમે ઝડપી લીધા હતા. આ પેસેન્જરોએ કમર બેલ્ટમાં ગોલ્ડ સંતાડીને લાવી રહ્યાં હતા. આ પેસેન્જર પાસેથી રૂ. 24 લાખનું 942 ગ્રામ સોનું ઝડપાયું હતું. કસ્ટમે આ લોકોની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
તો આ સીવાય બેંગકોકથી સ્પાઇસ જેટની ફ્લાઇટ આવી હતી. જેમાં સુરતના બે પેસેન્જર આવ્યા હતા. આ ફ્લાઇટના સુરતના પેસેન્જર પાસેથી સોનાની રિંગ, ચેન અને કડુ મળીને કુલ રૂ. 26 લાખની ગોલ્ડ જ્વેલરી મળી આવી હતી. આમ એક રાતમાં જ કસ્ટમે કુલ રૂ. 50 લાખનું ગોલ્ડ ઝડપી પાડી સીઝ કર્યું હતું.