દેશનું શ્રેષ્ઠ ગામ પુંસરીની મુલાકાતથી 60 દેશોના પ્રતિનિધિઓ થયાં પ્રભાવિત

ગાંધીનગર– મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના ઉપક્રમે નવી દિલ્હી ખાતે ૨૯મી સપ્ટેમ્બરથી ૨જી ઓકટોબર દરમિયાન મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલનમાં સહભાગી થયેલા ૬૦ જેટલા દેશોના ઉચ્ચકક્ષાના ૧૧૮ જેટલા પ્રતિનિધિઓએ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામની મુલાકાત લીધી હતી.

ગુજરાતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત થયેલી કામગીરી નિહાળવા પુંસરી આવેલું પ્રતિનિધિ મંડળ ગામની સ્વચ્છતા અને અન્ય પ્રવૃત્તિઓ નિહાળીને અત્યંત પ્રભાવિત થયું હતું. તેમની મુલાકાત દરમ્યાન સમગ્ર ગામમાં અનેક જગાએ સાંસ્ક્રુતિક નૃત્ય નિદર્શન પણ કરાયું હતું.

આ પ્રતિનિધિ મંડળના સભ્યો પુંસરી શાળાની મુલાકાત વેળાએ શાળાની બાળાઓ સાથે ગરબે ઘુમ્યા હતા, સાથે સાથે તેઓએ બાળકો સાથે નૃત્ય પણ કર્યું હતું. તેમના પ્રતિભાવમાં આ સભ્યોએ જણાવ્યું હતું કે, આ ગામની સ્વચ્છતા, શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિ, પોષણક્ષમ આહાર, આંગણવાડી, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા આવાસ, આરોગ્ય સેવા વગેરે પ્રશંસનીય છે. આ મુલાકાત અમારા માટે અવિસ્મરણીય રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લાનું પુંસરી એટલે દેશનું શ્રેષ્ઠ ગામ. આ ગામે વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરી દેશ આખાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગામની પોતાની અલગ વેબસાઇટ, શૂન્ય બાકી કરવેરા, સ્વચ્છતામાં અગ્રેસર, ડિજીટલ કામગીરી, ગામમાં મફત આંતરિક બસ વ્યવસ્થા, પીવા માટે મીનરલ વોટર, સુઘડ રસ્તા-શેરીઓ, સી.સી. ટી.વી. કેમેરાથી સજજ સમગ્ર ગ્રામ, સિંગલ એડ્રેસ સિસ્ટમ, ડીજીટલ લાઇબ્રેરી જેવી સંખ્યા બંધ સુવિધાઓ ધરાવતું પુંસરી ગામ આજે વિદેશી પ્રતિનિધિ મંડળ માટે અવિસ્મરણીય મુલાકાતનું કેન્દ્ર પણ બન્યું હતું.

આ મંડળના સભ્યોનું પુંસરી ગામમા પરંપરાગત સ્વાગત કરાયું હતું. શાળાના બાળકો દ્વારા ચલાવવામાં આવતા બેન્ડ તેમજ ઢોલ, વાજા,અને મંજિરા સાથે કરાતા નૃત્યને આ સભ્યોએ મનભરીને માણ્યું હતું એટલં, જ નહી પરંતુ બાળકો સાથે તેઓ નૃત્યમાં પણ જોડાયા હતા. સાથે સાથે આ મંડળે આરોગ્ય કેન્દ્રની મુલાકત લઈને ગામમા ઉપલબ્ધ આરોગ્ય સુવિધાની પણ જાણકારી મેળવી હતી.  આ ઉપરાંત ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરના દાંડીકુટિરની મુલાકાત લઇ પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્રની રસપ્રદ માહિતી મેળવી હતી.

આ પ્રતિનિધિ મંડળમાં અફ્ઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભુતાન, બોલિવિયા, કંબોડિયા, ચાડ, કોસ્ટારિકા, ઈથોપિયા,  ઘાના, ગુયેના, કેન્યા, કીરીબાકી, માલદીવ, માલ્ટા, મોંગોલિયા, મોરોક્કો, મોઝામ્બિક,  મ્યાનમાર, નેપાળ,નાઈજર, પેરુ, દક્ષિણ સૂદાન, શ્રીલંકા, સૂદાન, તાન્ઝામિયા, તઝાકિસ્તાન, થાઈલેન્ડ, તુર્કમેનિસ્તાન, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન, વિયેતનામ, ઝામ્બિયા,  માલી, લાઈબેરિયા,  ઈજિપ્ત, અંગલા, મડાગાસ્કર, હૈતિ, જોર્ડન અને સીંગાપોર જેવા ૬૦ દેશોના પ્રતિનિધિઓ જોડાયા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]