ગણેશોત્સવની ઉજવણી શહેરમાં ધામધૂમથી ચાલી રહી છે. ત્યારે અમદાવાદના લાલ દરવાજામાં આવેલા ગણેશ મંદિરમાં આ ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં એક ઐતિહાસિક અને પૌરાણિક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે.
આ દુંદાળા દેવને સિદ્ધિવિનાયક તરીકે જ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે મુંબઈમાં સ્થિત દાદા જેવો જ રૂતબો આ ગણપતિ દાદાનો પણ છે. સાબરમતી નદીના કિનારે આવેલે આ મંદિરમાં ભક્તો આસ્થા સાથે શિશ નમાવીને પોતાની માનતા પુરી કરે છે.
કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પેશ્વાઓના વખતે થયું હતુ. અને અહીં ગણપતિ દાદાની બે મૂર્તિઓ છે. એક મૂર્તિ જમણે સૂંઢવાળા ગણેશની છે તો બીજી આરસપહાણની સિંદુરી રંગની મૂર્તિ છે.
આ ગણેશ મંદિર અમદાવાદીઓની આસ્થાનું કેન્દ્ર છે. અહીં બારેમાસ ભક્તોની ભીડ રહે છે. અંગારકી ચોથે વિશેષ ઉત્સવ યોજાય છે. ત્યારે ગણેશ ઉત્સવમાં પણ ભક્તો દૂર દૂરથી આવે છે. ભાવિકો દાદાના દર્શન કરવા લાંબી લાંબી કતારોમાં કલાકો સુધી ઉભા રહે છે.