ગુજરાતના કચ્છ જિલ્લામાં મંગળવારે (11 માર્ચ) બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, પ્રથમ ભૂકંપ સવારે 11:12 વાગ્યે નોંધાયો હતો, જેની તિવ્રતા 3.0 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી. તેનું કેન્દ્ર રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. તેના એક મિનિટ પહેલા વધુ એક 2.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તર-પૂર્વમાં હતું. બંને આંચકાઓ બાદ લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપ બાદ તંત્ર સક્રિય બની ગયું છે. કોઈ જાનહાનિ કે નુકસાન નોંધાયું નથી, તેમ છતાં સંવેદનશીલ વિસ્તારોમાં ટીમો તૈનાત કરી દેવાઈ છે. આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ પર છે અને સ્થાનિક લોકોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે. વિજ્ઞાનીઓ અનુસાર, કચ્છ ભૂકંપ માટે હંમેશા જોખમી ગણાતા પ્રદેશોમાંથી એક છે. અહીં વારંવાર હળવા અને મધ્યમ તીવ્રતાના ભૂકંપ અનુભવાતા રહે છે. 2001માં વિનાશક ભૂકંપના અનુભવ પછી, કચ્છમાં ભૂકંપ નિયંત્રણ માટે જુદા જુદા સુરક્ષા પગલા લેવામાં આવ્યા છે.
