યુનિસેફ દ્વારા બાળકોના સાયબર શોષણ સામે જાગૃતિનો પ્રયાસ, શીખવો કે…

અમદાવાદ- હાલમાં ડિજિટલ ટેકનોલોજીના વિસ્તારથી દુનિયાભરમાં વિવિધ તકો ખુલી છે, પરંતુ સાયબર ક્રાઈમનું જોખમ પણ વધ્યું છે. સવાલ એ છે કે તકોનો લાભ લેવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવો અને સંભવિત જોખમોથી દૂર કઈ રીતે રહેવું. આ સવાલનો જવાબ શિક્ષકો, માતાપિતા અને ખાનગી ક્ષેત્ર જેવા સહયોગીઓએ આપવાનો રહેશે. જો મોટી વયનાં બાળકો નાની વયના બાળકોના ગાઈડ તરીકે કામ કરે અને તેમના ગાઈડ તરીકે કામ કરે તે મહત્વનું બની રહેશે. તેમ યુનિસેફ ઈન્ડિયાના રિપ્રેઝન્ટેટીવ- પ્રોગ્રામ ફોરુગ ફોયોઝાટે જણાવ્યું હતું.

ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને સશક્તિકરણ વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે “સાયબર ગુનાખોરી વધી રહી છે. ઓનલાઈન સલામતી માટે જાગૃતિ મહત્વની બાબત છે. આપણે આપણાં બાળકોને ટેકનોલોજીના આક્રમણથી કઈ રીતે બચવું તે શિખવવું જોઈએ.” અગ્રવાલે હેલ્પલાઈન નંબરો દ્વારા કઈ રીતે જાગૃતિ પેદા કરવી અને બાળકોએ કટોકટીના સમયમાં પોલિસનો કઈ રીતે સંપર્ક કરવો તે શિખવવા પર ભાર મૂક્યો હતો.

સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરના સાયબર ક્રાઈમ સેલના સુપરિટેન્ડન્ટ ઓફ પોલિસ રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે “સાયબર ગુનાઓ નિયમિત ગુનાઓ જેવા હોતાં નથી. દુનિયાના કોઈ છેડે બેઠેલાં ગુનેગારોની ધરપકડ કરવી આસાન હોતી નથી. આથી આ પ્રકારની પ્રવૃત્તિ થતી  રોકવી તે ઉત્તમ માર્ગ બની રહે છે અને આથી જ જાગૃતિ મહત્વની બાબત છે.”

ટેકનિકલ બેઠકોમાંની પ્રથમ બેઠક બાળકો સાથેના ગુનાઓમાં ટાયપોલોજી ઓફ સાયબર ક્રાઈમ અંગે હતી. આ બેઠકમાં આવા ગુના રોકવા માટે જાગૃતિ અને તે કઈ રીતે રોકવા તે અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં બાળકોના શોષણ તરફ દોરી જતાં વેબના નકારાત્મક પાસાં અંગે ચર્ચા થઈ. બાળકોને નિશાન બનાવતી વિવિધ પ્રકારની ગુનાખોરી  અને આવા ગુના કરવા માટેનાં વેબ યુસેઝ પ્લેટફોર્મ અંગે વાત કરી. સાયબર બુલીંગ, સ્ટોકીંગ, ટીનસેક્સીંગ, રિવેન્જ પોર્ન, ગ્રુમીંગ અને ઓનલાઈન ગેમીંગ  જેવા વિષયો ઉપર પ્રકાશ પાડ્યો.

સાયબર પીસ ફાઉન્ડેશનના વિનીત કુમારે ઓનલાઈન ગેમીંગ, પુખ્ત વયની વ્યક્તિઓ મારફતે બાળકોને નિશાન બનાવાતા હોવા અંગે તથા કાચી વયે  બાળકો કેવી રીતે જાતીય શોષણનો ભોગ બનતાં હોય છે તે અંગે વાત કરી. તેમણે ચર્ચા કરી કે ઓનલાઈન ગેમીંગ કઈ રીતે ફેલાતું જાય છે. તેમણે વ્હોટસ એપના કેટલાક કિસ્સા પણ ટાંક્યા હતાં.

ઓડિશાનાં ચાઈલ્ડ પ્રોટેકશન સ્પેશ્યાલિસ્ટ નેહા નાયડુએ જણાવ્યું કે, મધ્યસ્થ સંસ્થાઓનો શું અર્થ છે તથા ડેટા પ્રોટેક્ટ કરવાની વેબસાઈટની જવાબદારી અને આઈટી એક્ટની કલમ-79 હેઠળ ગુપ્તતા જાળવવા અંગે ઉલ્લેખ કર્યો હતો. જાણ કર્યા પછી સામગ્રી દૂર કરવામાં આવે ત્યારે શું થઈ શકે અને મધ્યસ્થ સંસ્થાઓની સામે કોર્ટમાં કઈ રીતે કેસ દાખલ કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. તેમણે માતાપિતાએ બાળકો અંગેની બધી વાતો બીજાને નહીં કહેવા અંગે પણ વાત કરી હતી.

ઓનલાઈન ગેમીંગની બાળકો પર થતી માનસિક અસરો, ગેમીંગનું વળગણ અને બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓ, પોર્ન એડિક્શન તથા બાળકોના માનસિક અને શારીરિક આરોગ્ય પર થતી તેની વિપરીત અસરો અંગે પણ ચર્ચા થઈ હતી. માતાપિતાએ શા માટે બાળકોને વિવિધ ડિવાઈસનો ઉપયોગ કરવા બાબતે કડક બનવું જોઈએ તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સાયબર ક્રાઈમ સેલના સુપરિટેન્ડટ ઓફ પોલિસ, રાજેશ ગઢિયાએ સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસો, સાયબર ક્રાઈમ સહિતના ગૂનાઓ અંગે ફરિયાદ કરવા માટે પોલિસમાં પ્લેટફોર્મ તથા પોલિસ હેલ્પલાઈનના ટ્વીટર હેન્ડલ@cyberdost મારફતે ગુના નોંધાવવા અંગે માહિતી આપી હતી.

સાથી બાળકોની અસરને કારણે બાળકો કન્ટેન્ટ ક્રિએટ કરે છે. આ બાબતે અજ્ઞાનતા અને કુતૂહલ પણ કામ કરી જતું હોય છે. ઓનલાઈન રહેવું તે ખરાબ નથી, પણ માતાપિતાએ બાળકો સાથે માત્ર સાયબર સ્પેસ જ નહીં, પરંતુ  ફીઝીકલ સ્પેસ અંગે વાત કરવી જોઈએ.

બાળકોના ઓનલાઈન પ્રોટેક્શન અંગેના સેમિનારમાં વેબની દુનિયામાં બાળકોની સલામતી અંગે શનિવારે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાયેલ સેમિનારમાં બાળકો, નાગરિક સંસ્થાઓ,  શિક્ષણશાસ્ત્રીઓ, પોલિસ સમુદાય અને શિક્ષકોએ એક જ મંચ પર એકત્ર થઈને આ મહત્વના મુદ્દા અંગે ચર્ચા કરી હતી.