અમરેલીમાં ટ્રેનિંગ પ્લેન ક્રેશ, બ્લાસ્ટ સાથે એક પાઇલટનું મોત

અમરેલી: ફરી એક વખતુ ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના ગિરિયા રોડ પરના શાસ્ત્રીનગર રહેણાંક વિસ્તારમાં મંગળવારે સવારે ખાનગી કંપનીના ટ્રેનિંગ સેન્ટરનું મીની પ્લેન ક્રેશ થયું હતું. ક્રેશ બાદ બ્લાસ્ટથી આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ. આ દુર્ઘટનામાં ટ્રેની પાઇલટ અનિકેત મહાજનનું મોત થયું, જે એકમાત્ર પ્લેનમાં સવાર હતો. ઘટનાની જાણ થતાં અમરેલી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, બચાવ કામગીરી શરૂ કરી.

પ્લેન ખાનગી એવિએશન એકેડેમીનું હતું, જે પાઇલટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, પ્લેન નીચું ઉડી રહ્યું હતું અને અચાનક ક્રેશ થયું, જે બાદ બ્લાસ્ટથી આગ લાગી. આ ઘટનાએ રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો. નોંધનીય છે કે, ગયા મહિને મહેસાણાના ગામમાં પણ એક ટ્રેનિંગ પ્લેન ક્રેશ થયું હતું, જેમાં પાઇલટ ઘાયલ થયો હતો.

પોલીસ અને ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ ક્રેશના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક શંકા ટેકનિકલ ખામી કે પાઇલટની ભૂલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ બ્લેક બોક્સ અને રેકોર્ડ્સની તપાસ બાદ જ સ્પષ્ટ ચિત્ર સામે આવશે. સ્થાનિકોમાં ટ્રેનિંગ ફ્લાઇટ્સની સલામતી અંગે ચિંતા વ્યાપી છે. અધિકારીઓએ સુરક્ષા ધોરણો વધુ કડક કરવાની ખાતરી આપી છે. આ ઘટનાએ એવિએશન સલામતી પર ફરી સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને રહેણાંક વિસ્તારો નજીક ટ્રેનિંગ ફ્લાઇટ્સના નિયમો અંગે. DGCA અને સ્થાનિક વહીવટ તપાસ પૂર્ણ થયા બાદ નવા માર્ગદર્શન જારી કરે તેવી શક્યતા છે.