અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિનો બે અલગ અલગ સ્થળોએ તમામ વય અને વર્ગના કલારસિકોની ઉપસ્થિતીમાં પ્રારંભ થયો.
પ્રથમ દિવસે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના એમ્ફી થિયેટર ખાતે સુપ્રસિદ્ધ નાટ્યકાર અને દિગ્દર્શક સૌમ્ય જોશી દ્વારા ઉદ્ઘાટન નાટ્ય પ્રદર્શન “ઓહ! વુમનિયા” રજુ કરવામાં આવ્યું. જ્યારે આ વર્ષે અટીરા કેમ્પસ ખાતે ખુશી લંગાલિયાએ ક્લાસિકલ કન્ટેમ્પરરી ડાન્સ “સંગીતકારિણી તાના રીરી” ની થીમ સાથે પોતાનું ઉદ્ઘાટન નૃત્ય પ્રદર્શન રજુ કર્યું.
“ઓહ! વુમનિયા” નાટકને એક એવી વાર્તામાં વણવામાં આવ્યું છે જે વ્યવહારિક જીવનમાં એક મહિલાને પુછવામાં આવતા સંસારિક પ્રશ્નોથી ઉભી થયેલ પરિસ્થિતી પર કેન્દ્રિત છે. દર્શકો માટે એક માર્મિક મેસેજ સાથેના આ શાનદાર નાટકમાં જીજ્ઞા વ્યાસે પોતાના પ્રભાવશાળી અભિનયથી કર્યો છે. તો ભારતનાટ્યમમાં એક અભિનેત્રી, કોરિયોગ્રાફર અને કલાકાર તરીકે મજબુત પુષ્ઠભૂમિ ધરાવતી પ્રોફેશનલ કલાકાર ખુશી લંગાલિયા એ ‘સંગીતકારિણી તાના રીરી’ રજુ કર્યું. આ રજુઆત પોતાના ભાવપૂર્ણ અવાજ અને ગુજરાતી સંગીત લોકસાહિત્ય સાથેના આત્મિય સબંધ ધરાવતી ઉત્તર ગુજરાતના વડનગર શહેરમાં ૧૬ મી સદીમાં થઈ ગયેલ શાસ્ત્રીય સંગીતની વિખ્યાત ગાયિકાઓ બે બહેનો: તાના અને રીરીને શ્રદ્ધાંજલિ હતી
આ સાથે જ બંને સ્થળોએ, વિચારપ્રેરક વિઝ્યુઅલ આર્ટ સ્ટોરીઝના પ્રદર્શને મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું. અમદાવાદના સિદ્ધાર્થ રાઠોડે પોતાનું સ્થાપન ” સિગ્નેચર ઓફ ધ બર્ડ ” રજૂ કર્યું છે. હજારો પક્ષીઓની તસ્વિરો અને વિડીયો કેપ્ચર કર્યા બાદ સિદ્ધાર્થે આ તસ્વિરોને એક નવા રૂપમાં રજુ કરી છે. પ્રત્યેક ફ્રેમ રચનાત્મક રીતે બનાવવામાં આવી છે. જેમાં એક ગ્રુપમાં ઉડતા પક્ષીઓ, ખાસ કરીને ચામાચીડિયા અને સ્ટારલિંગના સારને કેપ્ચર કરે છે. આ એકસાથે ક્લિક કરાયેલા ૨૫-૬૦ ફોટાથી બનેલ આ કલાકૃતિ પક્ષીયોની ફોટોગ્રાફી પર એક નવો દ્રષ્ટિકોણ રજુ કરે છે.
કોલકાતા મુળના વિઝ્યુઅલ આર્ટિસ્ટ સ્નેહા લાખોટિયાએ ” ધ ડ્રીમકેચર્સ સ્નિઝ ” નામનું પોતાનું સ્થાપન રજૂ કર્યું છે. આ ખુલ્લો પત્ર બોડી બેગ દ્વારા જોવામાં આવેલ નકારાત્મક સ્વપ્નનું વર્ણન કરે છે. જે એક ડ્રીમકેચર તરીકે નાઇટ ડ્યુટી દરમિયાન દરરોજ ૬૦,૦૦૦ વિચારોને ફિલ્ટર કરવાના બોજ હેઠળ દબાયેલ છે. જયારે વડોદરાના શિલ્પેક્ષ ખાલોરકરે તેમનું સ્થાપન “અનટેમ્ડ એક્સ્પાન્સન”રજૂ કર્યું છે, જે દર્શકોને તેમની મનની સ્થિતિ દ્વારા પ્રવાસ પર લઈ જાય છે. તેમની કલા વ્યક્તિગત આઘાત અને વિશ્વ પર તેની અસરોની શોધ કરે છે.
અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સ્થાપિત યુ.એન.એમ ફાઉન્ડેશનની એક પહેલ છે, જે સ્થાન, મર્યાદા (શારીરિક અને વ્યક્તિગત) અને સામાજિક ભેદભાવ વગર કલા દર્શકો સુધી પહોંચાડીને કલાને સામાજિક રચનાનો એક અભિન્ન ભાગ બનાવવાની પ્રયત્ન કરે છે. જેમાં આર્થિક રીતે તમામ વર્ગના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ છે. અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને રંગમંચથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે.
આજનો કાર્યક્રમ (22/11/2024)
|
અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિ ૨૧ મી નવેમ્બરથી ૦૮ મી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન યોજાઈ રહી છે. આ વર્ષે ૪૯ કલાકારો ૫૦ પ્રદર્શન રજૂ કરશે.
આ ઉપરાંત ૪૭ કલાકારો દ્વારા ૪૬ વિઝ્યુઅલ આર્ટ્સ ડિઝાઇન અને સેટઅપ કરવામાં આવશે. કલા પ્રેમીઓ કાર્યક્રમની રૂપરેખા અને અન્ય માહિતી માટે www.abhivyaktiart.org પર લોગ ઓન કરી શકે છે અથવા ૭૦૬૯૧૦૪૪૪૪/૭૦૬૯૧૦૫૫૫૫ નંબર ઉપર ફોન કરી શકે છે.