લોકશાહીના આ પર્વમાં સહભાગી થઇને વધુમાં વધુ મતદાન માટે ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશનના સભ્યોઓ અનોખી પહેલ કરી છે.
લોકશાહીના આ પર્વની ગર્વભેર ઉજવણી થાય અને લોકો વધુમાં વધુ મતદાન કરે એ ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે ભોજનના બિલમાં ૭ થી ૧૦ %નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને વધુમાં વધુ મતદાન થાય એ માટેની તમામ કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી પણ આપી છે. આમ, ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા સૌ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા અપીલ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે એ માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશનના સભ્યો પણ સહભાગી થયા છે.
