ગાંધીનગર- સામાજિક સુરક્ષા સંદર્ભે ક્રાઇમ સર્વેમાં તાજેતરના વર્ષોમાં બાળકીઓ-યુવતીઓ પરના અત્યાચાર અને શોષણમાં ઘણો વધારો નોંધાવા લાગ્યો છે. ત્યારે તેમના માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન કરવા અને ત્વરિત પગલાં લેવા માટેની વ્યવસ્થા ઘડવાના ભાગરુપે સરકાર દ્વારા નિર્ણય લેવાઇ રહ્યો છે. જેમાં વધુ એક કડીરુપે રાજ્યના તમામ જિલ્લા અને શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન શરુ કરવા સાથે અન્ય કેટલીક શરુઆત કરવામાં આવી છે.
બાળકો અને મહિલાઓના કેસની તપાસમાં મદદરૂપ થવા રાજ્યમાં હાલ ૧૧૦૦ જેટલા ફ્રેન્ડસ ફોર વુમન એન્ડ ચિલ્ડ્રન (F.F.W.C.) સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, તેમ સી.આઇ.ડી.ક્રાઇમ મહિલા સેલના અધિક પોલીસ મહાનિર્દેશક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
ગુજરાત પોલિસના ઉપક્રમે સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ રાજ્યની બાળકીઓ અને યુવતીઓને સ્વરક્ષણ માટે રાયફલ, શૂટિંગ, આર્ચરી જેવી વિશેષ તાલીમ આપીને વધુ સક્ષમ બનાવાઇ રહી છે. તમામ શહેર અને જિલ્લામાં મહિલાઓની સામાજિક, આર્થિક અને શારીરિક સુરક્ષા માટે ૧૮૧ અભયમ્ ૨૪x૭ મહિલા હેલ્પલાઇન વિનામૂલ્યે શરૂ કરવામાં આવી છે. જેમાં કોઇપણ હિંસાનો ભાગ બનેલી મહિલા ફોન કરીને ત્વરિત સહાય મેળવી શકે છે.
ઉપરાંત જે તે જિલ્લા પોલીસ સાથે સંપર્કમાં રહીને મહિલાઓ સંબંધી સમસ્યાઓના ઝડપી નિવારણ માટે સ્પેશિયલ મહિલા પોલીસ વોલેન્ટેરિયસની રચના કરવામાં આવનાર છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય તથા સૂરત ગ્રામ્ય એમ બે જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. રાજયમાં શહેર-જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ મહિલા સુરક્ષા સમિતિની રચના કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારની ઇન્વેસ્ટિગેટિવ યુનિટ ફોર ક્રાઇમ અગેઇન્સ્ટ વુમન યોજના હેઠળ રાજ્યના ૨૬ જિલ્લાઓમાં આ યુનિટ માટે નવી કુલ ૧૮૨ જગ્યાઓ ભરવાની મંજૂરી મળી હોઇ હાલમાં મહિલા પોલીસ સ્ટેશનમાં આ જગ્યાઓ ભરવાની કાર્યવાહી પ્રગતિમાં છે. જ્યાં સુધી આ જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી એટલે કે પ્રાથમિક ધોરણે ઇન્વેસ્ટિગેટિવ યુનિટ ફોર ક્રાઇમ અગેઇન્સ્ટ વુમનની રચના કરી પ્રવર્તમાન વિવિધ મહિલા પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટીગેટીવ યુનિટ ફોર ક્રાઇમ અગેઇન્સ્ટ વુમન કાર્યરત છે. દરેક શહેર-જિલ્લામાં પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર કાર્યરત છે. જેમાં પીડિત મહિલાનું તથા સામે પક્ષના સભ્યોનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત વિશેષ સુરક્ષાના ભાગરૂપે કાર્યસ્થળે માહિલાઓની જાતીય સતામણી રોકવા બાબતે નવો કાયદો ધી સેક્સયુઅલ હેરાસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ એકટ-૨૦૧૩ અમલમાં છે. જે અંતર્ગત મહિલાના કાર્યસ્થળે થતી જાતીય સતામણી રોકવા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના તેમના કામકાજના સ્થળે જ ગોઠવી આપવામાં આવી હોવાની જાણકારી આપવા આવી છે.