અમદાવાદ: “પૂજા”આ શબ્દ સાંભળતા જ આપણા માનસપટ પર પવિત્ર વાતાવરણની છાપ અંકિત થઈ જાય છે. અમદાવાદ શહેરના ચેનપુર વિસ્તારમાં રહેતા પૂજાબેન દરજીએ ઘેર બેઠા ‘માસ્ક” બનાવીને ‘માસ” પૂજાનું એટલે કે એક મોટા વર્ગ માટે પૂજા સમાન કામ કર્યું છે.
કોવિડ -૧૯ ની બીમારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. એકબીજાના સ્પર્શથી ફેલાતા આ રોગને કારણે વિશ્વ આખામાં અનેક લોકોના મૃત્યુ થયા છે. આ રોગનું સંક્રમણ વધતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે માસ્ક પણ એક અત્યંત અનિવાર્ય પુરવાર થયું છે . હોસ્પિટલમાં સેવારત ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્ટાફ તો માસ્કનો બહુધા ઉપયોગ કરે જ છે. જો કે ગુજરાત સરકારે પણ માસ્ક પહેરવાની પહેલ કરી જ છે. દેશના કેટલાક રાજ્યોએ તો માસ્ક પહેરવો ફરજિયાત પણ બનાવ્યું છે. આમ તો સામાન્ય રીતે લોકો પોતાના હાથ રૂમાલ કે અન્ય કપડાંથી મોઢાને ઢાંકીને તેને માસ્ક તરીકે ઉપયોગ કરતા જ હોય છે. વિધિસર બનાવેલો માસ્ક બજારમાં કંઈક અશે મોંઘું પડતું હોય છે પરંતુ પૂજાબેને માત્ર ૬ રૂપિયામાં એટલે કે અત્યંત નજીવા ભાવે માસ્ક બનાવ્યા છે.
પૂજાબેન કહે છે કે, ‘દરજીકામ એ મારો મૂળ વ્યવસાય છે, હું આમ તો બેગ સિવવાનુ કામ કરુ છું, પરંતુ કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં માસ્ક એ લોકોની સૌથી મોટી જરૂરિયાત છે. ગરીબ માણસ માસ્ક માટે વધારે રુપિયા ના ખર્ચ કરી શકે એટલે મેં માદરપાટના કપડામાંથી મામૂલી ભાવે માસ્ક બનાવ્યા છે…
પૂજાબેને અત્યાર સુધીમાં ૨ હજાર માસ્ક બનાવીને આસપાસની દુકાનો, બેન્ક તથા વિસ્તારમાં અન્ય લોકોને આપ્યા છે. પૂજાબેન આ માસ્ક વેચવા કરતા વહેંચવામાં માને છે. જો કે વિસ્તારના લોકોએ પણ માસ્ક મફત લેવાને બદલે ખરીદવાનુ વલણ રાખ્યું કે છે જેથી પૂજાબેનને મદદરૂપ થઈ શકાય.