700ના ટોળા સામે પોલીસ ફરિયાદ બાદ ગામમાંથી ગાયબ પુરૂષો

સાબરકાંઠા: હિંમતનગર તાલુકાના ગામડી ગામ હાલ ચોતરફ ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે આ ગામમાં હાલમાં એકપણ પુરૂષ જોવા મળતું નથી. ચારે તરફ સન્નાટા જેવો માહોલ છે દુકાનો બંધ છે, પંચાયત બંધ છે, ગામની ડેરી પણ બંધ છે. રસ્તા પર તમને કોઈ જોવા મળશે તો તે હશે માત્ર મહિલાઓ અને નાના બાળકો.છેલ્લાં 5 દિવસથી આ ગામના પુરુષો ફરાર છે અને તેનું કારણ છે થોડા દિવસ પહેલા ગામડી ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર થયેલો અકસ્માત. બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નીપજ્યા બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. બ્લોક ખોલાવવા આવેલી પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો હતો. રોષે ભરાયેલાં ગ્રામજનોએ પોલીસ વાહન પણ સળગાવી દીધું હતું. જેને લઈને જિલ્લાનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાને વિખેરવા 120થી વધારે ટિયરગેસના શેલ છોડ્યા હતા. બનાવને લઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીની ફરિયાદ આધારે 42 લોકો સામે નામજોગ સહિત 700ના ટોળા સામે ગુનો નોંધાયો છે.

પોલીસ ફરિયાદ બાદ છેલ્લા 5 દિવસથી ગામમાં કોઈપણ પુરુષ ફરક્યા નથી, માત્ર મહિલાઓના હવાલે ઘરો છે. તેવામાં મહિલાઓની મુશ્કેલી વધી ગઈ છે. પરિવારની જવાબદારી સાથે-સાથે પશુપાલન અને ખેતીનું કામ પણ કરવું પડી રહ્યું છે. ડેરી બંધ હોવાના કારણે મહિલાઓ દૂધ રખડતા શ્વાનને અથવા તો પોતાનો ઢોરને પીવડ઼ાવવા મજબૂર છે. અન્ય પાયાની જરૂરિયાતો માટે પણ મહિલાઓએ રઝળપાટ કરવો પડી રહ્યો છે. પુરુષો ક્યારે પરત ઘરે ફરશે તે મહિલાઓને નથી ખબર. પરંતુ તેમની હાલ એવી માંગ છે કે, ગામમાં ડેરી સહિતની પાયાની જરૂરી વસ્તુઓ શરૂ કરવામાં આવે.