અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા અહીંના મોટેરા ખાતે બાંધવામાં આવેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. 2014માં GCAના પ્રમુખ તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમનો વિચાર હતો કે 25 વર્ષ જૂના મોટેરા સ્ટેડિયમને સંપૂર્ણપણે તોડીને તેની જગ્યાએ નવું સ્ટેડિયમ બનાવીએ, જે શ્રેષ્ઠતમ સુવિધાઓ સાથે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હોય. ત્યારબાદ GCAના પ્રમુખ તરીકે તેમના અનુગામી બનેલા અને હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વિશાળ પ્રોજેક્ટની ધૂરા સંભાળી અને GCAના ભૂતપૂર્વ સિનિયર વાઇસ-પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અને BCCIના સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન તથા GCAના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી જય શાહ તરફથી સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો.
સપ્ટેમ્બર 28, 2019ના રોજ GCAનું નેતૃત્વ સંભાળવા માટે ઉપાધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની આગેવાનીમાં ટીમ ચૂંટાઈ અને આ ટીમે મોટેરા સ્ટેડિયમને આખરી ઓપ આપ્યો.
આ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. તે ટેસ્ટ મેચ ડે-નાઈટ હશે અને ગુલાબી બોલથી રમાશે. મેચ બપોરે અઢી વાગ્યાથી શરૂ થશે. આ ટેસ્ટ મેચ બાદ 4 માર્ચથી બંને ટીમ વચ્ચે સિરીઝની ચોથી અને આખરી ટેસ્ટ મેચ પણ રમાશે. હાલ બંને ટીમ 1-1 મેચ જીતીને સમાન છે.
મોટેરાના નવા તૈયાર થયેલા ક્રિકેટ સ્ટેડિયમની મહત્ત્વની બાબતો:
- 1,10,000 બેઠકોની ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ
- ઓસ્ટ્રેલિયન કંપની પોપ્યૂલસ કન્સેપ્ટ આર્કિટેક્ટ છે; L&T ડેવલપર (ડિઝાઇન અને નિર્માણ) છે તથા STUP કન્સલ્ટન્ટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) છે
- સ્ટેડિયમમાં 76 એર કન્ડિશન્ડ કોર્પોરેટ બોક્સ છે, જે દરેકમાં 25 જણ માટે બેઠક ક્ષમતા છે
- 63 એકર જમીનમાં પથરાયેલું સ્ટેડિયમ
- લાલ અને કાળી માટીની કુલ 11 પિચ તૈયાર કરવામાં આવી છે
- મુખ્ય અને પ્રેક્ટિસ પિચ બનાવવા માટે એક સરખી માટીનો ઉપયોગ થયો હોય તેવું આ પહેલું સ્ટેડિયમ છે. મુખ્ય ગ્રાઉન્ડમાં લાલ માટીની છ પિચ અને કાળી માટીની પાંચ પિચ છે, જ્યારે એવું જ પ્રેક્ટિસ પિચમાં છે, જ્યાં લાલ માટીની પાંચ અને કાળી માટીની ચાર પિચ છે
- ખેલાડીઓ માટે કુલ ચાર ડ્રેસિંગ રૂમ છે – વિશ્વના અન્ય કોઈ સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે ચાર ડ્રેસિંગ રૂમ નથી
- ટીમો માટેના ડ્રેસિંગ રૂમ્સમાં ખેલાડીઓ માટે આધુનિક જિમ્નેશિયમ્સ તૈયાર કરવામાં આવ્યા છે
- વરસાદ બંધ થયાની 30 જ મિનિટમાં મેદાનમાંથી પાણી વહીને બહાર નીકળી જાય તથા રમત ફરી શરૂ થઈ શકે તેવી ખાસ સબ-સોઇલ ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
- નવ મીટરની ઊંચાઈનું 360 ડિગ્રી પોડિયમ કોનકોર્સ પ્રેક્ષકોની અવરજવરને ખૂબ જ સરળ બનાવે છે અને તેમને સુવિધા તથા સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી અનુકૂળતા ઊભી કરી આપે છે
- ભવિષ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તૈયાર કરવા માટે ક્રિકેટ એકેડમી
- ઇન્ડોર પ્રેક્ટિસ પિચ
- પેવિલિયન્સ અને અત્યાધુનિક મીડિયા બોક્સ
- ભારતમાં પહેલીવારની ફિલ્ડ ઓફ પ્લે LED લાઇટ્સ
- હજારો કાર અને ટુ-વ્હિલર્સ માટે પર્યાપ્ત પાર્કિંગ જગ્યા
- સવિશેષ ભવ્ય હોલ-ઓફ-ફેમ
- દરેક સ્ટેન્ડમાં ફૂડ કોર્ટ અને હોસ્પિટાલિટી એરિયા
- અત્યાધુનિક ક્લબ હાઉસ, જેમાં છે 50 ડિલક્સ રૂમ અને પાંચ સ્યૂટ રૂમ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, રેસ્ટોરન્ટ, ઓલિમ્પિક સાઇઝનો સ્વીમિંગ પૂલ, જિમ્નેશિયમ, પાર્ટી એરિયા, 3D પ્રોજેક્ટર થિયેટર/ટીવી રૂમ
- BRTS અને નિર્માણાધીન મેટ્રો સ્ટેશન જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી
- નાના પેવિલિયન એરિયા સાથેના બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ
- ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ, લોન ટેનિસ, રનિંગ ટ્રેક, વગેરે જેવી અન્ય રમતો માટે સ્પોર્ટ્સ એકેડેમી
- નોર્થ પેવેલિયનનું નામ ‘રિલાયન્સ જિયો નોર્થ સ્ટેન્ડ’ છે અને સાઉથ પેવેલિયનનું નામ ‘અદાણી સાઉથ સ્ટેન્ડ’ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)