પ્રવાસ એટલે સ્વ સાથે મળવાની અનોખી તક. આજકાલના જુવાનિયાઓમાં ટ્રેકિંગ, સોલો ટ્રેકિંગનો જબર શોખ જોવા મળે છે. જો કે આપણે અહીં વાત કરવાની છે 3 વર્ષની ઉંમરના પ્રવાસ પ્રેમીની. કેમ નવાઈ લાગી? પણ આ બિલકુલ સાચી વાત છે. વજ્ર વિકી મેવાડા હજુ માંડ ત્રણ વર્ષનો છે ત્યાં પોતાના માતા પિતા સાથે ટ્રેકિંગ કરી કંચનજંઘા સુધી પહોંચી ગયો.
વિકી મેવાડા અને એમની પત્ની નેનસી લલ્લુવાડિયાને ડુંગરા ખેડવાની ગજબની અભિલાષા. પણ એમના આ શોખને ત્યારે બ્રેક વાગ્યો જ્યારે પુત્ર વજ્રનો જન્મ થયો. આ પ્રવાસી કપલ પહેલા તો અવારનવાર ટ્રેકિંગ પર જતા. પણ દીકરાના જન્મ પછી એ ઓછું થઈ ગયું. જો કે કુદરતીના સાથે ઘનિષ્ઠ લગાવને કારણે એમણે નક્કી કર્યુ કે પુત્રને પણ ટ્રેકિંગ લવર બનાવવો. જેથી એમણે નક્કી કર્યું કે પુત્ર વજ્ર મેવાડાનો ત્રીજો જન્મ દિવસ 3જા સૌથી ઊંચા પર્વત પર ઉજવવો. અને આ પવર્ત એટલે કંચનજંઘા.
વજ્રની જન્મ તારીખ 29 નવેમ્બર 2020 છે. દુનિયા ત્રીજા સૌથી ઉંચા પહાડ સામે વજ્રના ત્રીજો જન્મ દિવસની ઉજવણી કરવા માટે વિકી અને તેમણો પરિવાર 6 દિવસનો ઝોંગરી ટ્રેક પ્રારંભ કરે છે. તેઓ બેંગલોરથી યુક્સોમ પહોંચે છે. જે સિક્કિમનું એક નાનું ગામ છે. ત્યાં તેમનું ટ્રેકિંગની સફર શરૂ થાય છે. જ્યાં યુક્સોમથી બખીમ (8500 ફૂટ), ફેડાંગ (10500 ફૂટ), ઝોંગરી (12700 ફૂટ), ઝોંગરી ટોપ (13500 ફૂટ) બખિમ પાછા યુક્સોમ પરત ફરે છે. આ ટ્રેકિંગ કુલ 54 કિલોમીટરનું છે.
વિકી મેવાડાના કહ્યા પ્રમાણે એમનો પુત્ર વજ્ર ઝોંગરી પહોંચનાર પ્રથમ 3 વર્ષનો બાળક છે જે સ્વાસ્થ્યની સમસ્યા વિના આ પર્વતની ટોચ પહોંચ્યો છે. વજ્રને આ ટ્રેકિંગ પૂર્ણ કરવવા માટે કિડ્સ હાઈકિંગ કેરિયરની જરૂર હતી. જો કે એ ભારતમાં ઉપલબ્ધ ન હતું. માટે તેમણે વિદેશથી મંગાવવું પડ્યું.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા વિક્કી મેવાડા કહે છે કે, “મને પહેલેથી જ હળવા ફરવાનો ખૂબ જ શોખ માટે નવી નવી જગ્યાએ જવાનું ગમે. 2009થી હું ટ્રેકિંગ કરું છું લગ્ન પછી મારી પત્ની નેનશી પણ મારી સાથે જોડાયા. જ્યારે વજ્રનો જન્મ થયો ત્યારે અમે ખૂબ જ ખુશ હતા. વજ્ર એક વર્ષનો હતો ત્યારે જ અમે નક્કી કરી લીધું હતું કે એની ત્રીજી બર્થડે ઝોંગરી પર્વત પર જઈને ઉજવીશું. પછી એ તરફ તૈયારી શરૂ કરી વજ્ર જેમ જેમ મોટો થતો ગયો એમ અમે એને ટ્રેનિંગ આપતા”.
“ઝોંગરી ટ્રેકિંગ પર જતા પહેલા પ્રેક્ટિસના ભાગરૂપે વજ્ર માતા પિતા સાથે 3000થી 4000 ફૂટની ઉંચાઈ પર બેંગ્લોરમાં નજીકના સ્થળે જઈ આવ્યો છે. જેના કારણે ઝોંગરી જતા એને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો નથી”. વિકી ભાઈ કહે છે, “ટ્રેકિંગના 6 દિવસ દરમિયાન આમારી સાથે વજ્રે ખુબ જ એન્જોય કર્યું. હવે અમે વજ્રના ચોથા જન્મ દિવસ માટે નેપાળ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છીએ. એ ઉપરાંત આઠ કે દસ વર્ષની ઉંમરમાં નેપાળમાં અન્નપૂર્ણા હિલ્સ પર જવાનો પણ વિચાર છે. ટ્રેકિંગ દરમિયાન અમને જીવનભરનું સંભારણું મળ્યું. મારા દીકરા વજ્રનો જન્મ દિવસ અમને જીવનભર યાદ રહેશે. જેનું અન્ય એક કારણ એ પણ છે કે ત્યાંના ગાઈડે બૌદ્ધ ધર્મ પ્રમાણે પૂજા પણ કરાવી હતી. યુક્સોમ ગામના લોકોના મતે પ્રમાણે ઝોંગરી જનાર વજ્ર સૌથી નાનો બળક છે”.
જ્યારે વિક્કી મેવાડાના પત્ની નેનસી લ્લુવાડીયાએ ચિત્રલેખા.કોમને કહ્યું “વજ્ર ખુબ નાનો છે પરંતુ પોતાની જાતને પ્રોટેક્ટ પણ કરે છે. ટ્રેકિંગ દરમિયાન એ પોતાના હાથમાં સ્ટીક અને પથ્થર રાખતો”.