વરસાદનું જોર ઘટ્યું, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિગ બાદ વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ માત્ર છૂટો છવાયો નોંધાય રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં યેલો અલર્ટ સાથે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ આગાહી અનુસાર મોનસુન ટ્રફના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલા ભાગોમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે. તેમાં ખાસ કરીને રાજ્યના પૂર્વ વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 10મી સપ્ટેમ્બરના એટલે કે આવતી કાલે દાહોદ, અરવલ્લી, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની શક્યતા છે. જ્યારે 11મી સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં છુટા છવાયો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તથા શહેરમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાથી વાતાવરણમાં ગરમી અને બફારાનો અનુભવ થાય છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 129 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 124 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 118 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 106 ટકા વરસાદ નોંધાયો છે.