અમદાવાદઃ રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા, પાર્કિંગ અને ટ્રાફિકને મુદ્દે અને હાઇકોર્ટના આદેશને પગલે અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપિલ કમિશનર, પોલીસ કમિશનર તેમ જ શહેરી વિકાસ વિભાગના મુખ્ય સેક્રેટરીને હાજર રહ્યા હતા. કોર્ટે આ મુદ્દે અધિકારીઓને આડે હાથ લીધા હતા.
હાઇકોર્ટે આ સુનાવણીમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદાવિહીન શાસન નહીં ચાલે માત્ર કાગળ પર કાર્યવાહી નહીં ચાલે. અમે તમને હજી સ્થિતિ સુધારવા એક સપ્તાહનો સમય આપીએ છીએ.
પોલીસે અને અધિકારીઓએ તેમનું કામ ગંભીરતાથી કરવું જ પડશે. કાયદો વ્યવસ્થા જાળવવાની તંત્રની જવાબદારી છે. સાત નવેમ્બર સુધીમાં અધિકારીઓએ કડક કાર્યવાહી કરવી જ પડશે, નહીં તો ચલાવી લેવામાં નહીં આવે. માત્ર કાગળ પર કામગીરી દેખાય એવું હવે નહીં ચાલે એમ કોર્ટે કહ્યું હતું. હાઇકોર્ટે કહ્યું હતું કે કાયદાની મર્યાદામાં રહીને જે લોકો નિયમો તોડે છે, નીતિને જે અટકાવે છે તેમની સામે કડક પગલાં લો. આના કારણે નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાય છે.
દેશના નાગરિકોની સુરક્ષા બોર્ડર પર ઊભેલી સેનાની છે તેમ રાજ્યમાં રહેતા નાગરિકોની જવાબદારી પોલીસની છે. પોલીસને જે જુદી- જુદી રેન્ક આપવામાં આવે છે તેનાથી પાવરની સાથે જવાબદારી પણ આવે છે. એટલે લોકોની સુરક્ષાની જવાબદારી પોલીસની હોય છે જે સારી રીતે નિભાવવામાં આવે નહીં તો કોર્ટ ઘણી જ ગંભીર છે અને જરૂર પડવા પર કોર્ટ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના ચાર્જીસ પણ કરશે.
હાઇકોર્ટે સાત નવેમ્બર સુધીનો સમય આપતા AMCના કમિશનરને નિર્દેશ આપતાં કહ્યું હતું કે તમે શું કરી રહ્યા છો. સ્થિતિ સુધારવા વધુ એક સપ્તાહનો સમય આપીએ છીએ. અમે સપ્તાહ બાદ સ્થિતિની સમીક્ષા કરીશું અને ફરક નહીં દેખાય તો આકરાં પગલાં લઈશું.
અમદાવામાં રખડતા ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિક મામલે હાઇકોર્ટે વારંવાર ટકોર કરી છે. તેમ છતાં પરિણામ રસ્તા પર ન દેખતા હાઇકોર્ટે અધિકારીઓને ઠમઠોર્યા હતા છે. કોર્પોરેશને કોર્ટમાં ઢોર પકડતી ટીમ પર હુમલા થતા હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું. હાઈકોર્ટે વર્ષ 2017થી ચાલી રહેલી જાહેર હિતની અરજી પર યોગ્ય કાર્યવાહી ન થતાં નારાજગી વ્યક્ત કરી હતી.