અમદાવાદઃ રસ્તાઓની બિસ્માર હાલતને લઈને હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશન અને રાજ્ય સરકાર પર આંખ લાલ કરી છે. હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારને અમદાવાદના તમામ મોટા રસ્તાઓ અને તેને સાંકળતા રસ્તાઓ અંગે અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં રોડ-રસ્તા અને બીઆરટીએસના રૂટ પર ખાડા પડી ગયા હોવાનો chitralekha.com દ્વારા આ સંદર્ભે એક વિડીયો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
કયા રસ્તા પર રીસરફેસિંગ અને કયા રસ્તાઓ પર પેચવર્કની જરૂર છે તે જણાવવા પણ આદેશ કરાયો છે. તો આ સાથે જ મેટ્રો રેલની આસપાસના તમામ રસ્તાઓને મોટરેબલ કરવા માટે પણ હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
હાઈકોર્ટે રાજ્ય સરકારને વર્ષોથી પડી રહેલી ડ્રાફ્ટ પ્લાનિંગ સ્કીમ ક્યાં સુધીમાં ફાઈનલાઇઝ થશે તે જણાવવા માટે પણ આદેશ કર્યો છે. તો આ સાથે જ ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસરને આગામી મુદ્દે રૂબરૂ હાજર રહેવા માટે હાઈકોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે 30 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી થશે.