નિતીન પટેલે કેન્દ્રીય બજેટ પૂર્વે બેઠકમાં કરી 4 મહત્ત્વની માગણી

0
2544

ગાંધીનગર- નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલીએ બોલાવેલ પ્રિબજેટ મીટિંગમાં ગુજરાતના નાણાંપ્રધાન નિતીન પટેલ હાજર રહ્યાં હતાં. જેમાં તેમણે ગુજરાતને અનુલક્ષી કેટલીક માગણીઓ અને રજૂઆતો કરી હતી.

  • ખેડૂતોને સોલાર પમ્પ બેસાડવા ૧૦ હોર્સપાવરની મોટર માટે ૩૦% સબસીડી આપવા રજૂઆત
  • આંગણવાડી આશાવર્કર બહેનોના માનદ વેતનમાં વધારો કરવા વિનંતી
  • શિપબ્રેકિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ડ્યૂટી ૦% કરવા માગણી
  • કેન્દ્રીય વેરામાંથી રાજ્યના હિસ્સાની ફાળવણી ત્વરિત કરવા રજૂઆત
  • ખેડૂતો પણ સોલાર પમ્પનો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.  સોલાર પમ્પ માટે ૩૦ ટકા સબસીડીનું ધોરણ નક્કી કરવા તથા ૧૦ હોર્સ પાવરની મોટરનો આ યોજના અંતર્ગત સમાવેશ કરવા કેન્દ્ર સરકારને ભારપૂર્વક વિનંતી કરી હતી.

આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોનું માનદ વેતન વધારવા કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. ભારત સરકારે નક્કી કરેલ માનદ વેતન કરતા પણ ગુજરાત સરકાર માનદ વેતન વધુ આપી રહી છે પરંતુ તે અપૂરતું છે તેમ જણાવ્યું હતું.

શિપ બ્રેકિંગ ઉદ્યોગોથી વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો ઉપલબ્ધ થવા ઉપરાંત, કેન્દ્ર તથા રાજ્ય સરકારને કસ્ટમ ડ્યુટી વગેરેની આવક પણ થાય છે. શીપ બ્રેકીંગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્યમાં શીપ બ્રેકીંગ માટે આવતા જહાજો ઉપરની કસ્ટમ ડ્યુટી ૨.૫% થી ઘટાડીને ૦% કરવાની રજૂઆત કરી હતી.ખાસ કરીને ગુજરાતના ભાવનગર જિલ્લાના અલંગ ખાતેના વિશ્વના મોટામાં મોટા શીપ બ્રેકીંગ ઉદ્યોગનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે, ઓરિસ્સા, બિહાર, આંધ્રપ્રદેશ તથા ઉત્તર પ્રદેશના કામદારો વિપુલ પ્રમાણમાં ગુજરાતમાં આવી આ ઉદ્યોગમાં કામગીરી મેળવી વિપુલ પ્રમાણમાં રોજગારી મેળવે છે.

ભારત સરકારે કેન્દ્રીય વેરામાંથી રાજ્યના હિસ્સાની ફાળવણી કરવાની તારીખ દરેક મહિનાની પહેલી તારીખના બદલે ૧૫ મી તારીખ કરેલ છે, જેના કારણે રાજ્યોને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આ ફેરફાર રદ કરવા માટે નાણાં મંત્રાલયે વિચારણા કરવી જોઈએ.

નાણાંપ્રધાને દરિયાઈ વેપારને વિકસાવવા માટે એકસાઈઝ ડ્યુટીમાં ૧૦% જેટલો ઘટાડો કરવાનું સૂચન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ઑક્ટોબર-૨૦૧૭ થી ઘોઘા-દહેજ વચ્ચે પેસેન્જર ફેરી શરૂ કરેલ છે અને ઘોઘા-દહેજ વચ્ચે રો-પેક્સ ફેરી શરૂ કરવાનું પણ આયોજન છે. આ પ્રકારની ફેરી સંચારણના ખર્ચને ઘટાડવા તેમાં વપરાતા બળતણ પર લાગતી એક્સાઈઝ ડ્યુટી જે હાલ ૨૦% છે તેને ૧૦% કે તેથી ઓછી કરવા રજૂઆત કરી હતી.

કેમિકલ્સ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા વિદેશથી આયાત થતા કેમિકલ્સ પર ૭.૫% ની ડ્યુટી વધારીને ૧૦% કરવા પણ માગણી કરી હતી.