શિયાળાની શરૂઆતમાં ગરમીનો પ્રકોપ યથાવત્

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષ અતિવર્ષા જેવો માહોલ સર્જાયો છે. જ્યાં કેટલાક વિસ્તારમાં લીલો દુકાળ થયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે હવે શિયાળાની શરૂઆતમાં આપણે ઠંડીની માટે રાહ જોવી પડશે. કેમ કે હવામાન વિભાગ પ્રમામે આગામી એક સપ્તાહ સુધી ગરમીમાં ઘટાડો થવાની સંભાવના ઓછી છે. અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી યથાવત્‌ રહેતાં સળંગ છઠ્ઠા દિવસે 37 ડિગ્રીથી વઘુ તાપમાન નોંધાયું હતું. હજુ એક સપ્તાહ તાપમાન 37 ડિગ્રીથી વઘુ જ રહે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે આજે 37.2 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. દિવસ દરમિયાન આકરા તાપથી લોકો ત્રસ્ત થયા હતા. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસમાં તાપમાન 38 ડિગ્રીને પાર જઇ શકે છે. આમ, દિવાળીના તહેવારોમાં પણ ગરમીથી રાહત મળવાની સંભાવના નહિવત્‌ છે. સોમવારે રાત્રિએ અમદાવાદમાં 24.5 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.4 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હાલની સ્થિતિ પ્રમાણે પાંચ નવેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. દરમિયાન આજે 39.7 ડિગ્રી સાથે ડીસામાં સૌથી વઘુ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 39 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.