રાજ્યમાં રોગચાળાનો કહેર યથાવત્, ગાંધીનગરથી મળ્યો ઝિકા વાયરસનો પોઝિટિવ કેસ

ગુજરાતમાં ઝિકા વાયરસના કેસ સામે આવતાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. રાજ્યમાં આ વર્ષે મચ્છરજન્ય બિમારી અને તાવની સિઝન લાંબી ચાલી છે. ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગના કેસ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ગાંધીનગરમાં શંકાસ્પદ ઝિકા વાયરસનો કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. દર્દીનો રિપોર્ટ પુણેની લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. જેમાં આજે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ દર્દી સારવાર હેઠળ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં ઝિકા વાયરસનો કેસ નોંધાતા ગાંધીનગર મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. જે વિસ્તારમાં કેસ નોંધાયો છે ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ પણ ગાંધીનગરમાં ઝિકા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો. 75 વર્ષિય વૃદ્ધની તબિયત લથડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે દરમિયાન ડોક્ટરોએ દર્દીનો રિપોર્ટ પુણેની લેબોરેટરીમાં મોકલ્યા છે.

ત્યારે બીજી બાજુ અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 7480 ઓપીડી નોંધાવા પામી છે. તેમજ ડેન્ગ્યુનાં 10, મેલેરિયાનાં 12, ચિકનગુનિયાનાં 4 કેસ નોંધાયા છે. તેમજ વાઈરલ ઈન્ફેક્શનનાં 1600 કેસ નોંધાયા છે. જેમાં 576 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમજ ડેન્ગ્યુનાં 117 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી 10 દર્દીઓનાં રિપોર્ટ પોઝીટીવ હતા. આ ઉપરાંત મેલેરિયાનાં 95 દર્દીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 12 દર્દીનાં રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જ્યારે ચીકનગુનિયાનાં 20 દર્દીનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 4 દર્દીનાં રિપોર્ટ પોઝીટીવ હતા. તેમજ સ્વાઈન ફ્લુનો કોઈ દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો નથી. આ રીતે ગયા અઠવાડિયે જુદા જુદા રોગનાં દર્દીઓ હોસ્પિટલમાં નોંધાવા પામ્યા હતા.