TRP ગેમ ઝોનના ચાર આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

રાજકોટ: TRP ગેમ ઝોનમાં એક માનવ સર્જિત હત્યાકાંડ થયો હતો. જેમાં 27 માસૂમ લોકોના જીવ બુઝાય ગયા હતા. આ અતિ ગંભીર ઘટના બાદ પોલિસે ગેમ ઝોનનાં માલિક અને મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર સહિત 15 ની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 4 આરોપીઓનો ચાર્જશીટ બાદની જામીન અરજી મામલે આજે ચુકાદો હતો. જેમાં ગેમઝોનના માલિક અશોકસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાને જામીન મામલે આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. જોકે તેમા ચારેય આરોપીને જામીન ન મળતા હવે હાઇકોર્ટમાં જવું પડશે.

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે 25મી સપ્ટેમ્બરે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 4 આરોપીઓની ચાર્જશીટ બાદની જામીન અરજી મામલે કેસ ચાલ્યો હતો. જેમાં ગેમ ઝોનના માલિક અશોકસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાના વકીલ દ્વારા આરોપીઓનો બચાવ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં કલાકો સુધી સુનાવણી ચાલી હતી. જેમાં સુનાવણી બાદ કોર્ટે આરોપીઓના જમીન ફગાવ્યા હતા. તાજેતરમાં રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ TPO સામે ACBની તપાસ શરૂ થઇ હતી. જેમાં સાગઠીયાએ મંજૂર કરેલા પ્રોજે્ક્ટની વિગતો મંગાવાઇ હતી. તેમાં મોટાગજાના બિલ્ડરો સામે કાર્યવાહી થઇ શકે છે.