ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રુપાણી અને નાયબ સીએમ નિતીન પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટીની મુસાફર સુવિધાલક્ષી સેવાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો છે.
એસ.ટી નિગમની વોલ્વો બસ લગ્ન પ્રસંગે રાહત દરે ફાળવવાની વિશિષ્ટ બસ સેવાઓ પ્રજાર્પણ કરી હતી. નિગમ દ્વારા રાજ્યના જુદાજુદા જિલ્લાને સાંકળી લેતી 50 વોલ્વો બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં રાજ્યના 125 ડેપો દીઠ બસ આવા લગ્ન પ્રસંગ માટે ફાળવાશે. ગરીબ પરિવારોને લગ્ન જેવા ખુશીના અવસરે તેમને પોસાય તેવા રાહત દરે એસટી બસો ફાળવાશે.
આ અવસરે મુખ્યપ્રધાને જણાવ્યું કે ગુડ ગવર્નન્સથી કામ કરી સુવિધાઓ અને સુખાકારી આપતી અમારી સરકાર છે. સુવિધાઓ માત્ર પૈસાવાળા માટે નહીં ગરીબને પણ તેનો લાભ મળે તેવી નેમ છે. તેમણે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હવે આધુનિક ટેક્નોલોજી સાથે દેશમાં બસ સેવાઓના રિયલ ટાઈમ મોનીટરીંગ સમય પાલનમાં અગ્રેસર બન્યું છે તેની સરાહના પણ કરી હતી.