ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના વિધેયક મંજૂર, આ છે જોગવાઈઓ..

ગાંધીનગરઃ સરકારે વિધાનસભાસત્રમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના માટેનું વિધેયક મંજૂર કરાવ્યું છે. આ યુનિવર્સિટી સમગ્ર દેશમાં સૌપ્રથમ વાર રીસર્ચ અને ઇનોવેશન આધારિત અભ્યાસક્રમ પર આધારિત છે. આ યુનિવર્સિટી માટે વૈશ્વિક સ્તરે રીસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર યુનિવર્સિટી સાથે ભાગીદારી થકી વૈશ્વિક કક્ષાનું ભણતર ગુજરાતમાં ઉપલબ્ધ બને તે મુજબનું આયોજન છે. આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પોતાની આગવી પ્રોડક્ટ, પ્રોસેસ કે પ્રોટોટાઇપ વિકસાવશે અને તેના પર આધારિત ઉદ્યોગ સ્થાપવાની પણ તાલીમ મેળવશે.

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની રચના કરતા પહેલા, રાજ્યની કુલ ૧૫ યુનિવર્સિટીના ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો, જેનાં તારણો અનુસાર, મહદ્અંશે વિદ્યાર્થીઓ થીયરીટીકલ નોલેજ સાથે સંકળાયેલ હતા. મુખ્યત્વે વિદ્યાર્થીઓએ રીસર્ચ અને પ્રેક્ટિસ આધારિત પ્રોગ્રામમાં જોડાવા પોતાની ઉત્સુકતા દર્શાવી હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના શિક્ષણવિદો, ફેકલ્ટીઝ અને વૈજ્ઞાનિકો સાથે જરૂરી પરામર્શ પણ કરવામાં આવ્યો હતો.

વિશેષતાઓ

  • બાયોટેકનોલોજી અને સંલગ્ન વિજ્ઞાનમાં અદ્યતન શિક્ષણ, તાલીમ, પ્રોડક્ટ આધારિત સંશોધન, ઉત્પાદન કેન્દ્રિત વિકાસ અને ટેકનોલોજીના વાણિજ્યીકરણ માટે વૈશ્વિક ધોરણો અનુસાર બૌદ્ધિક સંપત્તિ અને કૌશલ્ય આધારિત પદ્ધતિ વિક્સાવવા માટેની ક્ષમતાઓ ઊભી કરવામાં આવશે;
  • રાષ્ટ્રીય તથા વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતી સંસ્થાઓ સાથે ઉચ્ચ સંશોધન આધારિત શિક્ષણ પ્રણાલી શરુ કરવા માટે સહયોગ કરવામાં આવશે;
  • યુનિવર્સિટીમાં ઉભી થતી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અને ટેકનોલોજીના વ્યાપારીકરણ માટે કાનૂની અને પ્રોસેસ સંબંધી અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવશે;
  • રાજ્ય અને રાષ્ટ્રના બાયોટેકનોલોજીની મદદથી ઉકેલી શકાય તેવા પ્રશ્નોની અગ્રતા નક્કી કરી, તેના ઉકેલ માટે પ્રયાસો કરવામાં આવશે;
  • રાજ્ય અને રાષ્ટ્રના ઉદ્યોગોને જરૂરી ઉચ્ચ જ્ઞાન, કૌશલ્યો અને ટેકનોલોજીથી અપડેટેડ માનવબળ ઉભું કરવામાં આવશે;
  • પ્રોડક્ટ આધારિત શિક્ષણ પ્રણાલી સાથે હયાત ઉદ્યોગગૃહને સાંકળવામાં આવશે.
  • રાજ્યમાં ઉદ્યોગો / સ્ટાર્ટ-અપ્સ માટે પ્રોડક્ટ પાઈપલાઈન વિકસાવવામાં આવશે.

યુનિવર્સિટીની વ્યવસ્થાને અમલી બનાવવા માટે જરૂરી જોગવાઈઓ ઉપરાંત આ કાયદામાં એડવાઇઝરી કાઉન્સિલની જોગવાઈ કરવામાં આવી છે, જે વખતોવખત યુનિવર્સિટીને તેની શિક્ષણ પ્રણાલી, સંશોધન પ્રણાલી અને ઉદ્યોગો સાથેના જોડાણ સહીત વ્યૂહાત્મક ફેરફારો અને જોડાણો માટે ચોક્કસ સલાહ આપશે જેથી યુનિવર્સિટીને વૈશ્વિક કક્ષાની યુનિવર્સિટી તરીકે વિકસાવી શકાશે.

વિધાનસભાએ આ વિધેયક પસાર કરીને સમગ્ર દેશમાં સૌ પ્રથમ રીસર્ચ અને ઇનોવેશન આધારિત અભ્યાસક્રમ ધરાવતી ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના માટે રાજ્ય સરકારને મંજૂરી આપી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]