કેન્દ્રએ અંકલેશ્વરમાં કોવાક્સિન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી

અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઘોષણા કરી હતી કે કેન્દ્ર દ્વારા કોવેક્સિનનું ઉત્પાદન ગુજરાતના અંકલેશ્વરમાં પણ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ભારત બાયોટેક દ્વારા નવો પ્લાન્ટ અંકલેશ્વરમાં સ્થાપવામાં આવશે. જેથી ટૂંક સમયમાં ગુજરાતમાં કોરોનાની રસીનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. 

આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે વેક્સિનના વધુ પ્રોડક્શનના કારણે દેશવાસીઓને ફાયદો થશે અને ડોઝની સંખ્યા વધશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન ‘દરેક નાગરિક માટે ફ્રી વેક્સિન’ ને પૂરું કરવામાં ગતિ આવશે અને વિશ્વની સૌથી મોટી રસીકરણ ઝુંબેશ ઝડપથી આગળ વધશે.

અંકલેશ્વરમાં જે ઉત્પાદન એકમ સ્થાપવામાં આવી રહ્યો છે, એ એકમમાંથી સપ્ટેમ્બરથી રસી તૈયાર થઈને બહાર આવશે. આ એકમમાં આશરે 60 લાખ ડોઝનું ઉત્પાદન થવાની સંભાવના છે. આ પહેલાં અહીં એન્ટિ-રેબિઝ વેક્સિનનું ઉત્પાદન થતું હતું. આ વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં કોવાક્સિનની ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવશે, જેથી એક મહિનામાં આશરે 60 લાખ ડોઝ સુધી એને વધારવામાં આવશે.

ભારત બાયોટેક હાલમાં દેશમાં કોરોનાની રસીના ડોઝ હૈદરાબાદ એકમમાંથી પૂરા પાડી રહી છે. ગુજરાતમાં ઉત્પાદન સુવિધા સિવાય કંપનીએ કર્ણાટકના મલૂર પ્લાન્ટનું આધુનિકીકરણ કર્યું છે, જેથી રસીનું ઉત્પાદન વધારી શકાય.

કંપનીના જણાવ્યાનુસાર કેન્દ્રીય ડ્રગ્સ લેબોરેટરીમાં જમા કરાવતાં પહેલાં કોવાક્સિનના પ્રત્યેક બેચને 200થી વધુ ક્વોલિટી કન્ટ્રોલ ટેસ્ટમાંથી પસાર કરવામાં આવે છે. કંપનીએ રસીકરણ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધી કમસે કમ સાત કરોડ ડોઝ પૂરા પાડ્યા છે.