અમદાવાદઃ કેન્દ્રીય બજેટ બાદ હવે રાજ્યનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે. વળી બજેટ પણ 24 ફેબ્રુઆરીએ એ જ રજૂ થવાનું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારનું આ પ્રથમ બજેટ હશે. ત્યારે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે રહેલા વિભાગો અને મંત્રાલયો વિશેના સવાલોના જવાબો આપવાની જવાબદારી અન્ય મંત્રીઓને સોંપવામાં આવી છે.
મુખ્ય મંત્રી હસ્તકના શહેરી વિકાસ વિભાગ, નર્મદા અને કલ્પસર વિભાગના પ્રશ્નોના જવાબો વિધાનસભા ગૃહમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ આપશે. મહેસુલ વિભાગના પ્રશ્નોના જવાબ કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત આપશે. જ્યારે માર્ગ અને મકાન વિભાગના પ્રશ્નોના જવાબ મંત્રી જગદીશ વિશ્વકર્મા આપશે, એમ સચિવાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે વર્ષ 2023-24નું બજેટ 24 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે. વિધાનસભા સત્રમાં સરકારી વિધેયકો તેમ જ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પાંચ બેઠકો રાખવામાં આવી છે. સરકારી વિધેયકો તેમ જ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે.
વિધાનસભા સત્ર દરમિયાન પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે. સત્રમાં કામકાજના 25 દિવસ રહેશે. વિધાનસભામાં 23મી ફેબ્રુઆરીથી બજેટ સત્રનો આરંભ થશે. 24મીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. બજેટમાં કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવશે.