ચાંગા: મૂળ ચરોતરના બોરસદના અને અમેરિકાસ્થિત ભટ્ટ પરિવાર દ્વારા ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF) ચારુસેટ હોસ્પિટલ-ચાંગાને બે લાખ ડોલર-લગભગ રૂ. દોઢ કરોડનું દાન આપવામાં આવ્યું છે. ભટ્ટ પરિવાર દ્વારા તેમનાં માતાપિતા તારાબહેન અને નટવરલાલ ભટ્ટની સ્મૃતિમાં યાદગીરીરૂપે આ દાન આપવામાં આવ્યું છે. કુંજુબહેન ભટ્ટ, હર્ષદભાઈ ભટ્ટ અને નયનભાઈ ભટ્ટ દ્વારા આરોગ્ય ક્ષેત્રે અને સમાજોપયોગી સત્કાર્યો કરવા દાન આપવાનો નિર્ણય લીધો હતો, જેના ભાગરૂપે આ દાન CHRFને પ્રાપ્ત થયું છે.
ભટ્ટ પરિવારે વીરેન્દ્રભાઈ પટેલ સાથેની વાતચીતમાં ચારુસેટને દાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેઓ ચારુસેટ યુનિવર્સિટીના પ્રમાણિક્તા-સંવાદિતા-પારદર્શિતાના સિદ્ધાંતોથી આકર્ષાઈ દાન આપવા પ્રોત્સાહિત થયા હતા. જેના પરિણામે તેમણે બે લાખ ડોલરનો દાનનો ચેક અમેરિકામાં ચારુસેટ એજ્યુકેશન ફાઉન્ડેશનમાં જમા કર્યો હતો. આ પરિવારનું આ દાન સમાજ માટે આરોગ્યલક્ષી પ્રવૃતિઓ કરવામાં મદદરૂપ થશે. નવાઈની વાત એ છે કે ભટ્ટ પરિવારે હજુ સુધી ક્યારેય ચારુસેટ કેમ્પસ નિહાળ્યું નથી, પરંતુ તેમણે વીરેન્દ્રભાઈ પટેલ સાથેના સંબંધો અને વિશ્વાસને કારણે આ દાન આપ્યું છે.
અમેરિકામાં ચારુસેટ એજ્યુકેશન ફાઉન્ડેશન નામની સંસ્થા વર્ષ 2012માં રજિસ્ટર્ડ થયેલી છે. આ ફાઉન્ડેશનમાં દર વર્ષે નાના-મોટા દાન અમેરિકામાં વસતા વિવિધ દાતાઓ દ્વારા આપવામાં આવે છે. USAમાં ચારુસેટ કેમ્પસની વિવિધ સામાજિક-શૈક્ષણિક-આરોગ્યલક્ષી પ્રવૃતિઓ NRI-NRGના ધ્યાનમાં આવતી હોય છે અને તેઓ કેમ્પસ ડેવલપમેન્ટ,સ્કોલરશિપ, ગોલ્ડ મેડલ, ચેર, એન્ડોવમેન્ટ ફંડ માટે નિયમિતપણે દાન આપતા હોય છે. અત્યાર સુધીમાં પાંચ મિલિયન ડોલર ચારુસેટ એજ્યુકેશન ફાઉન્ડેશનમાં દાન આપવામાં આવ્યું છે.