ગાંધીનગર-૧૪મી વિધાનસભાનું પહેલું સત્ર આગામી તા.૧૯ ફેબ્રુઆરીના રોજ નવા જ સાજ સજેલા વિધાનસભા સંકુલમાં મળશે. અને 20 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થશે. કાયદો, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ૧૪મી વિધાનસભાનું પ્રથમ સત્ર ૨૮ માર્ચ સુધી એટલે કે, એકંદરે ૨૭ કામકાજના દિવસ દરમ્યાન મળશે. જે દરમ્યાન વિધાનસભાની ૨૮ બેઠકો મળશે. સત્રના પ્રથમ દિવસે અધ્યક્ષની ચૂંટણી હાથ ધરાશે. ત્યારબાદ રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે. તા. ૨૦ ફેબ્રુઆરીના રોજ નાણાપ્રધાન રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે.
આ ઉપરાંત આ પ્રથમ સત્ર દરમ્યાન રાજ્યપાલના સંબોધન ઉપરના આભાર પ્રસ્તાવ ઉપર ત્રણ દિવસ ચર્ચા થશે, પૂરક માંગણીઓ પર ૨ દિવસની ચર્ચા બાદ ૪ દિવસ અંદાજપત્રની સામાન્ય ચર્ચા ચાલશે. વધુમાં જણાવ્યું હતું કે, વિભાગવાર માંગણીઓ પરની ચર્ચા ૧૨ દિવસ ચાલશે. આ સત્રની કામગીરી દરમ્યાન વિવિધ સરકારી વિધેયકો અને બિન સરકારી કામકાજ પણ હાથ ધરવામાં આવશે.