અમદાવાદમાં દસ દિવસે શાકભાજી, કરિયાણાની દુકાનો ખુલી

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં દસ દિવસ બાદ આજે શાકભાજી અને કરિયાણાની દુકાનો ખુલી ગઈ છે. શહેરના રેડ ઝોન બહારના પશ્ચિમના ગોતા, શાસ્ત્રીનગર જેવા અનેક વિસ્તારોમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને ખરીદી કરી હતી. સરકારી તંત્રએ બહાર પાડેલા ફરમાન અનુસાર જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ શરૂ થતાં લોકો એ હાશકારો અનુભવ્યો હતો. શહેરના પ્રતિબંધિત અને કોરોનાથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સવારે 8 થી 1 સુધીના સમયગાળામાં જ ખરીદી અને વેચાણની નિયમો મુજબ છૂટ આપવામાં આવી છે.પ્રતિબંધિત વિસ્તારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ શરૂ થતાં જ લાંબી કતારો જોવા મળી હતી. કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં બહારના વાહનોને રોકી, ફક્ત પગપાળા પ્રવેશ આપી ખરીદીની છૂટ આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સીસ અને પોલીસના બંદોબસ્ત વચ્ચે યોગ્ય ડિસ્ટન્સિંગ જાળવી ખરીદી-વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)