ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના 11થી વધુ જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. થોડા દિવસોના નજીવા ઘટાડા બાદ આજે ફરીથી તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે, જેના કારણે ગરમીની અસર વધુ તીવ્ર બની છે.
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે, કંડલામાં રાજ્યનું સૌથી ઊંચું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત, અમદાવાદમાં 42.9 ડિગ્રી, ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.7 ડિગ્રી અને રાજકોટમાં 42.2 ડિગ્રી તાપમાન રહ્યું. અન્ય શહેરો જેવા કે ડીસામાં 41.1 ડિગ્રી, વડોદરા અને ભુજમાં 40.8 ડિગ્રી, મહુવામાં 40.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.7 ડિગ્રી અને કેશોદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધુ વધશે. ખાસ કરીને, દિવસ અને રાતના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. રાજ્યના મોટા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીની અસર વધુ જોવા મળશે. હવામાન વિભાગે 26 અને 27 ફેબ્રુઆરીએ ગરમીની અસર વધુ રહેવાની આગાહી કરી છે.
રાજ્યમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે કચ્છ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ગઈકાલે પણ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો, જેમાં કંડલા, અમદાવાદ અને ગાંધીનગર સૌથી વધુ ગરમ રહ્યા. લોકોને ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીવું, હળવા કપડાં પહેરવા અને બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
