રાજ્યના 10 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતથી જ સૂરજે પોતાનો પ્રચંડ તાપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આ વખતે રાજકોટ શહેરે ગરમીનો નવો ઈતિહાસ રચ્યો છે. આજે રાજકોટમાં મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે એપ્રિલ મહિનામાં છેલ્લા 133 વર્ષનો સૌથી ઊંચો આંકડો છે. આ સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બની ગયું. હવામાન વિભાગના રેકોર્ડ મુજબ, અગાઉ 14 એપ્રિલ, 2017ના રોજ નોંધાયેલું સૌથી વધુ તાપમાન આજે તૂટી ગયું.

એકતરફ દેશના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો છે ત્યારે ગુજરાતમાં આભમાંથી જળને બદલે અગન ગોળા વરસી રહ્યા છે. રાજકોટમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમણે પરિપત્ર જાહેર કરીને શહેર અને જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો સમય સવારે 7થી 11 સુધીનો કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પર લાગુ પડશે.

રાજ્યમાં હીટવેવની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે. રાજકોટ સહિત 8 શહેરોમાં ગરમીનું જોર વધ્યું છે. ઈ.સ. 1892થી એપ્રિલ મહિનાના તાપમાનની નોંધણીના ઈતિહાસમાં આજનો દિવસ રાજકોટ માટે અત્યંત ગરમ દિવસ તરીકે સામે આવ્યો છે. રાજ્યના આજે સર્વાધિક તાપમાન કંડલામાં 45.6 નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વઘુ નોંધાયુ હતું. અમદાવાદ, અમરેલી, વડોદરા, ચાણસ્મા, ડીસા, દીયોદર, ગાંધીનગર, રાજકોટ, હિંમતનગર ,ભુજ અને પોરબંદર સહિતના 10 થી વઘુ શહેરોમાં ગરમીનો પારો 43 કે તેથી વધુ ડિગ્રી પર રહ્યો હતો.