રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા ત્રણ દિવસથી ઘટ્યું છે. ગુજરાતના લગભગ વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતા કચ્છના નલિયામાં ઠંડીનું જોર યથાવત્ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત ઉપર જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના નજીકના જિલ્લાઓમાં ગતરોજ દિવસ દરમિયાન અને આજે વહેલી સવારથી જ સૂર્યોદય બાદથી ધુમ્મસની ચાદર છવાઈ છે.
ગુજરાતની આસપાસના ભાગોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય છે, તેની અસરોને કારણે અરબ સાગર તરફથી ભેજ ગુજરાત સુધી ખેંચાઈ આવે છે, જેથી ગુજરાતના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. ખાસ કરીને દરિયાકાંઠાની નજીક આવેલા જિલ્લાઓમાં અને પહાડી વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. આ ઉપરાંત પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફથી આવતા પવનો બીજી તરફ અરબ સાગર તરફથી આવતા પવનો બંનેની દિશા વિરુદ્ધ હોવાથી વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેથી મહત્તમ તાપમાનમાં થોડા અંશે ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાતા ઠંડીમાંથી રાહત મળી છે. હજુ પણ આગામી 48 કલાક સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની પણ સંભાવના છે.
છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના નલિયામાં રાજ્યોનું સૌથી ઓછું 7.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આજે વહેલી સવારે નલિયામાં ભેજનું પ્રમાણ 87% જેટલું નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય ચાર મહાનગરોમાં અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 19.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 20.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. મહત્વનું છે કે, આજે વહેલી સવારથી જ સુરતમાં ગાઢ ધુમ્મસ છવાયુ છે, સુરતમાં ઘુમ્મસની ચાદર પથ્થરાતા એર સેવા ઘણી અસર થતી જોવા મળી હતી. કેટલીક ફ્લાઈટો રદ કરવાની ફરજ પડી હતી, તો કેટલીક ફ્લાઈટોએ સમય મોડી ઉડાન ભરી હતી.