સુરતઃ હજીરાસ્થિત એબીજી શિપયાર્ડ લિમિટેડ સામે CBIએ હાલમાં રૂ. 22,842 કરોડનો ભારતની સૌથી મોટો બેન્ક છેતરપિંડીનો કેસ નોંધ્યોને હજી માંડ સપ્તાહ પણ નથી થયું, ત્યાં શિપયાર્ડની બાજુમાં જ આવેલી સૂર્યા એક્ઝિમે પણ રૂ. 183 કરોડનું દેવાળું ફૂંક્યું છે. સુરતના મગદલ્લા વિસ્તારમાં કોલસાનો વેપાર કરવાની સાથે-સાથે યાર્ન ઉત્પાદનમાં પણ CA જગદીશ પ્રસાદ સાબૂએ છ બેન્કોને રૂ. 183 કરોડ ચૂકવવામાં નાદાર જાહેર થયા છે.
કંપની દ્વારા નાદારી જાહેર કરવામાં આવતાં બેન્કના કર્મચારીઓ દોડતા થયા છે. CA જગદીશ સાબૂ અને તેમનાં પત્નીનાને નામે વિવિધ બેન્કોમાંથી લોન લેવામાં આવી હતી. બંને લોકો ભરવામાં આનાકાની કરી રહ્યા છે. આવામાં બેન્કો દ્વારા તેમનાં નામની બધી સંપત્તિ અને મશીનરીને જપ્ત કરીને બેન્કને સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સૂર્યા એક્ઝિમ દ્વારા સૌથી વધુ કેનેરા બેન્કના રૂ. 58 કરોડ, બેન્ક ઓફ બરોડાના રૂ. 32 કરોડ, IDBI બેન્કના રૂ. 29 કરોડ, દેના બેન્કના રૂ. 25 કરોડ, યુનિયન બેન્કના રૂ. 20 કરોડ અને આંધ્ર બેન્કના રૂ. 19 કરોડ ડૂબ્યા છે. કંપની દ્વારા દેશમાં અનેક સ્થળોએ ઓફિસો ખોલવામાં આવી હતી, જેમાં સેલવાસા, દમણ, પંજાબ, રાજસ્થાન સિવાય નાગપુર, મુંબઈ અને જળગાંવમાં પણ ઓફિસ આવેલી છે.
કંપની દ્વારા નાદારી જાહેર થયા પછી બેન્કો દ્વારા કરોડોની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે, જેમાં પીપલોદ તથા ઉમરામાં એક-એક ફ્લેટ, અડાજણમાં બે ફ્લેટ તથા ઉમરવાડામાં ત્રણ દુકાન છે.