કોરોનાએ આ જેલના કેદીઓમાં જન્માવ્યો રાષ્ટ્રધર્મ

સુરેન્દ્રનગર: ભારત વર્ષના એક નાનકડા રાજયના એક કલ્પનાશીલ વ્યકિતએ એક હાથમાં પોતાની જાન અને બીજા હાથમાં આદર્શોનો ઝંડો પકડીને કરેલા કાર્ય ઉપરથી ૧૯૫૭ ના વર્ષમાં એક ફિલ્મ બની હતી. ‘‘દો આંખે બારહ હાથ’’. જેલમાં બંધ બંદીજનોના જીવન પરિવર્તન ઉપર આધારિત આ ફિલ્મ જેવી જ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં આકાર પામી છે.

આજે કોરોના રૂપી  વૈશ્વિક મહામારી વિકરાળ સ્વરૂપે સમગ્ર વિશ્વ સામે ઉભી છે. તેની સામેના જંગમાં ભારત વર્ષના નાગરિકો – શ્રેષ્ઠીજનોની સાથે સામાજિક- સ્વૈચ્છીક સંસ્થાઓ અને ધર્મ સંસ્થાઓ પણ આગળ આવી યથાશક્તિ આર્થિક યોગદાન આપી રહી છે. તેવા સમયે દાતારીના મલક એવા ઝાલાવાડની સબ જેલમાં પોતાના ગુન્હાની સજા ભોગવી રહેલા કાચા – પાકા કામના બંદીજનો પણ કેમ પાછળ રહે ? સુરેન્દ્રનગર ખાતે આવેલ સબ જેલમાં  સજા ભોગવી રહેલા વિવિધ ધર્મ – સમાજના ૧૧૬ જેટલા બંદીવાન ભાઈ-બહેનોએ વિચાર્યું કે રાષ્ટ્ર સામે સંકટ આવ્યું છે, તેમાં આપણે પણ ‘‘ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે’’ યોગદાન  આપવું જોઈએ. અને તેમના આ વિચારબીજે રૂપિયા ૫૪,૦૦૦ ની રકમને રાષ્ટ્ર અર્પણ કરી.

સબ જેલના અધિક્ષક એચ.આર. રાઠોડે બંદીવાન ભાઈઓની સમાજ પ્રત્યેની ઉદાત્ત ભાવનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલમાં આ સબ જેલમાં વિવિધ ધર્મ-સમાજના ૧૧૬ જેટલા બંદીવાન ભાઈ – બહેનો વિવિધ ગુન્હા સબબ સજા ભોગવી રહયા છે. આ ભાઈ – બહેનોને જ્યારે ખબર પડી કે કોરોના રૂપી વાયરસે સમગ્ર વિશ્વના અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. જેના સામે લડવા ભારત સરકાર અને રાજય સરકાર તેના નિષ્ઠાવાન પ્રયાસો કરી રહી છે, ત્યારે આ બંદીવાનોએ પણ કોરોના સામેના જંગ લડવા રાજય સરકારને આર્થિક રીતે સહયોગી બનવાનો નિર્ધાર કર્યો. આ માટે સબ જેલના ૧૨ બંદીજનોએ ભેગા મળી તેમના ખાતામાં જમા રકમમાંથી કુલ ૫૧૦૦/- રૂપિયા મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપ્યા છે, જયારે બાકી બંદીજનોએ પણ આર્થિક રીતે મદદરૂપ થવા પોતાની પાસે જરૂરી રકમ ન હોવાથી રામનવમી નિમિત્તે એક દિવસનો સંપૂર્ણ ઉપવાસ કરીને તેમના બંન્ને ટાઈમના ભોજનના બચેલા રૂપિયા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં આપ્યા છે.

બંદીવાન ભાઈ-બહેનોને રાષ્ટ્ર ભાવનાથી ગદ્દગદીત બનેલા જેલ અધિક્ષક રાઠોડે પણ માનવીય અભિગમ દાખવી ઉપવાસી તમામ બંદીવાન ભાઈ-બહેનોને તેમના ખર્ચે સવાર-સાંજ ફળાહાર કરાવ્યો હતો.અધિક્ષક રાઠોડે વધુમાં ઉમેર્યું હતું કે, આ સબ જેલમાં ૯૩ હિન્દુ અને ૨૩ મુસ્લીમ સહિતના ૧૧૬ જેટલા બંદીવાન ભાઈ-બહેનો છે. જે તમામે રામનવમીના દિવસે ઉપવાસ રાખીને રાષ્ટ્ર  ઉપર આવી પડેલી આ આપત્તિ સમયે રાજ્ય સરકારને તેમના કાર્યમાં સહયોગી બની તેમનામાં રહેલી રાષ્ટ્ર ભાવનાના દર્શન કરાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એડી. ડી.જી.પી. ડો. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર સબ જેલ દ્વારા ૧૨ બંદીવાન ભાઈઓની બચત રકમ રૂપિયા ૫૧૦૦/- તેમજ હિન્દુ –મુસ્લીમ સહિતના ૧૧૬ બંદીવાન ભાઈ-બહેનોએ કરેલા ૧ દિવસના ઉપવાસના કારણે તેમણે બે સમય ન કરેલા ભોજનની બચત રકમ રૂપિયા ૬૦૦૦/- ની સાથે સબ જેલના તમામ પોલીસ કર્મીઓના ૧ દિવસના પગારની રકમ તેમજ સબ જેલના જેલ સહાયક  ઋષિરાજસિંહ સુરના ૧ માસના પગારની રકમ મળી કુલ રૂપિયા ૫૪,૦૦૦ ની રકમનો ફાળો એકત્રિત કરી મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યો છે. આજે સમગ્ર દુનિયા કોરોના વાયરસથી મુકત થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની નીચે ભારત વર્ષના તમામ નાગરિકો એક બની કેન્દ્ર-રાજય સરકારના પ્રયાસોમાં સહભાગી બની રહયા છે. તેવા સમયે પોતાની ક્ષણિક ભૂલના કારણે સજા ભોગવી રહેલા કાચા – પાકા કામના બંદીવાન ભાઈ-બહેનોએ પણ તેમનાથી થયેલ ક્ષણિક ભૂલના પ્રાયશ્વિત રૂપે કરેલુ આ કાર્ય સાચા અર્થમાં અન્યો માટે પ્રેરણાદાયી બની રહેશે.

(હેતલ દવે)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]