સુરતઃ છેલ્લા કેટલાક સમયથી એક ગેમે ગુજરાત સહિત દેશભરના જવાનીયાઓને પોતાનું ઘેલુ લગાડ્યું છે. યુવાનો એટલી હદે પબજીમાં ઘુસી ગયા છે કે પોતાના માતા-પિતાની વાત પણ નથી માનતા. ત્યારે પબજી ગેમને લઈને અનેક રજૂઆતો કર્યા બાદ સરકારે આખરે વાત સ્વિકારી લીધી છે. અત્યારે સુરત પોલીસ કમિશ્નરે PUBG ગેમને લઈને એક જાહેરનામુ બહાર પાડ્યું છે.
આ જાહેરનામા અનુસાર શહેરની હદમાં કોઈપણ વ્યક્તિ PUBG ગેમ રમી નહી શકે. આ અંગે કમિશનર દ્વારા જાહેરનામું આપવામાં આવ્યું છે. આ જાહેરનામુ 15 માર્ચ સુધી અમલી રહેશે. જાહેરનામામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપનીઓ તેમજ ગૂગલ ઇન્ડિયા, ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પબજી, બ્લૂ વ્હેલ ચેલેન્જ ગેમ તેમજ તેના જેવી બીજી ગેમની લિંકો પોતાની કંપની મારફતે ઉપયોગમાં લેવામાં આવતી હોય તો તેને હટાવી દેવાની રહેશે.
ગુનાની તપાસ કામગીરીમાં સામેલ એજન્સી તેમજ શૈક્ષણિક સંશોધનો માટે આ ગેમનો ઉપયોગ કરનાર લોકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ મળશે. આ હુમકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે.
PUBG ગેમ એક અત્યારના તરુણો અને યુવાનો માટે એક વ્યસન બની ગઈ છે. આ ગેમ લોકોના માનસ પર ગંભીર અસર કરે છે અને એટલી હદે તે યુવાનો અને તરુણોને વળગે છે કે તેઓ તેના એડિક્ટ બની જાય છે. આ ગેમ લોકોની માનસિકતા પર અસર કરે છે અને એટલા માટે જ સૂરત પોલીસ કમીશનરે આ ગેમ પર બેન લગાવ્યું છે.