સૂરતઃ 3 કરોડથી વધુની જૂની નોટો ઝડપાઈ, 3ની ધરપકડ

સુરતઃ 8 નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 રુપિયાની જૂની ચલણી નોટો બંધ કરવામાં આવી હતી. પરંતુ દેશમાં હજી પણ જૂની ચલણી નોટોની અદલાબદલી થઇ રહી છે અને તેના પ્રમાણ પણ મળી રહ્યાં છે. ઘટના છે સૂરતની.

સૂરતના વેસુ વીઆઈપી રોડ પર એક કારમાંથી 3 કરોડ 37 લાખ રુપિયાની જૂની ચલણી નોટો સાથે 3 લોકોની પોલિસે ધરપકડ કરી છે.

પોલિસને બાતમી મળી હતી કે વેસુ વીઆઈપી રોડ પરથી પસાર થતી એક કાર જૂની ચલણી નોટો બદલવા માટે આવી રહી છે. જેને લઇને ખટોદરા પોલીસે વેસુ રોડ પર વોચ ગોઠવી આ ગાડીને ઝડપી પાડી હતી.

પોલીસે આ કારમાંથી 1000 અને 500ના દરની જૂની ચલણી નોટો ઝડપાઈ છે તેનિ મૂલ્ય 3 કરોડ 37 લાખ રુપિયા છે. પોલીસે મોટી માત્રામાં જૂની ચલણી નોટો સાથે 3 લોકોની ધરપકડ પણ કરી છે. ઝડપાયેલા ત્રણ શખ્શ સામે ગુનો નોંધી આ જૂની ચલણી નોટના મૂળ સુધી પહોંચવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.