સૂરત દુર્ઘટનાનો પડઘો: રાજ્યભરના ટ્યૂશન ક્લાસીસ બંધ રાખવા સરકારનો આદેશ

અમદાવાદ- સુરતમાં આર્ટ ક્લાસીસમાં લાગેલી આગની ઘટનાને પગલે હવે રાજ્યસરકાર મોડે મોડે જાગી છે. આ ઘટનાને પગલે રાજ્યસરકારે સમગ્ર રાજ્યમાં જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી તમામ ટ્યૂશન ક્લાસીસો બંધ રાખવાના આદેશ આપ્યા છે. રાજ્યભરના ટ્યૂશન કલાસીસો જ્યાં સુધી ફાયરના સાધનો ન વિકસાવે અને એનઓસી ન મળે ત્યાં સુધી બંધ રહેશે.

હાલમાં રાજકોટ સહિત રાજ્યના જૂદા જૂદા વિસ્તારોમાં ફાયરના અધિકારીઓ દ્વારા ટ્યૂશન ક્લાસીસોની તાપાસ હાથ ધરવામાં આવી છે. જે પણ ટ્યૂશન ક્લાસીસો ચાલી રહ્યાં છે તેમાંથી તાત્કાલિત વિદ્યાર્થીઓને છોડી મુકવામાં આવી રહ્યાં છે. આ સાથે જ ટયૂશન સંચાલકોને નોટિસો પણ પાઠવવામાં આવી છે.

મહત્વનું છે કે, સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં આવેલા આર્ટ કલાસીસમાં પ્રચંડ આગ ફાટી નીકળી હતી. જેથી વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતાં. ફસાયેલા વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ લગાવી હતી. જેમાં ચારના મોત નીપજ્યાં હતાં. જ્યારે આગના કારણે અંદર અન્ય વિદ્યાર્થીઓના ભડથા થઈ ગયાં હતાં. આમ કુલ મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે. જ્યારે સાતેક ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

વરાછા અને કાપોદ્રા ફાયરબ્રિગેડ પાસે પુરતાં સાધનો નહોતાં. સૌ પ્રથમ જે ફાયરબ્રિગેડ પહોંચ્યું તે પુરતી તૈયારી સાથે નહોતું આવ્યું માત્ર આગ બુઝાવવા જ આવેલું. કોઈ બચાવ કરી શકાય તેવા સાધનો ફાયર પાસે નહોતાં. હાઈડ્રોલિક હતી તે સમયસર ખુલી નહોતી. હાઈડ્રોલિકને રિંગરોડ સ્થિત ફાયર સ્ટેશનથી મંગાવવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડે અગાઉ ટ્રેનિંગ આપી હતી તે કુદવા માટેની જાળ જ ઘટના સ્થળે લઈ જવાઈ નહોતી.