સૂરત– વીજ બિલમાં ઘટાડો કરી આપતી લોકપ્રિય એવી ઊજાલા બલ્બની યોજનાને લઇને કાળો કારોબાર થવાની શંકાઓના પ્રમાણ જનતાને મળી રહ્યાં છે…. સસ્તાં એલઇડી લેમ્પ, પંખા અને ટ્યૂબલાઇટ્સ લેવા માટે લાઇનો લાગતી હતી. સૂરતમાં આજે પણ એવી હાલત છે કારણ કે લેવા જતાં ગ્રાહકોને માલ ન હોવાનો જવાબ જીઇબી ઓફિસ દ્વારા આપવામાં આવે છે.. ત્યારે વાઇરલ થયેલાં વિડીયોએ સૂરત જીઇબીને મૂંઝવણમાં મૂકી દીધી હતી.
વરાછામાં ઉજાલા યોજનાના એલઇડી બલ્બ લેવા ગયેલાં કેટલાક ગ્રાહકોને સ્ટોક ન હોવાનું કહેવામાં આવ્યું તો લોકોએ જાતે જઇને ગોડાઉનમાં તપાસ કરી. તો તેમની સામે તંત્રની ભ્રષ્ટતાની પોલ ખોલતાં લેમ્પ પંખા અને ટ્યૂબલાઇટ મળી આવ્યાં હતાં, જેનો વિડીયો બનાવીને સોશિઅલ મીડિયા પર મૂકી દેવામાં આવ્યો હતો.. જોકે ભોપાળું બહાર પડવા છતાં જીઇબી અધિકારીઓનું જણાવવું તો એમ જ છે કે આ ગોડાઉન અમારું લાગતું નથી અને આ અંગે અમારા ધ્યાનમાં કશું આવ્યું નથી.
વરાછામાં આવેલી જીઇબી ઓફિસની બહાર ઉજાલા બલ્બ ન હોવાના પાટિયાં જોઇને ગોડાઉનની તપાસ કરી આવેલાં લોકોએ જથ્થો પડેલો જોઇને ભારે હોબાળો મચાવ્યો હતો અને કૌભાંડની કટકી ચાલતી હોવાના આક્ષેપો કર્યાં હતાં. જેનો જીઇબી દ્વારા સાફ ઇનકાર કરવામાં આવ્યો હતો.