ગુજરાતના બેરોજગાર યુવાનોને રુ.3000થી રુ.10,000નું ભથ્થું અપાશે

નવી દિલ્હી/ગાંધીનગર– ગુજરાત સરકાર રાજ્યમાં બેરોજગારી ભથ્થુ અને યુવાનોને સ્કિલ ટ્રેનિંગ માટે રુપિયા 3000થી રુપિયા 10,000 સુધીનું માસિક ભથ્થું આપવા અથવા તો સ્ટાઈપેન્ડ આપવા માટે વિચારી રહી છે. આગામી 20 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં આ જાહેરાત થાય તો નવાઈ નહીં. રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષથી બેરોજગારીનો આંક વધીને આવ્યો છે, જેથી સરકાર ચિંતામાં છે.શ્રમ અને રોજગાર વિભાગના પ્રધાન દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે પહેલા વર્ષે ઓછામાં ઓછા 1 લાખ યુવાનોને આ યોજનાનો લાભ મળે, તેવી અમારી ઈચ્છા છે. તેમજ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે મળીને બેરોજગાર શિક્ષિત યુવાનો અને અક્ષરજ્ઞાન ધરાવતાં યુવાનોને ટેકનિકલ અને નાણાકીય મદદ મળી રહે તે માટે એક યોજના તૈયાર કરાશે. જે અંતર્ગત પહેલા વર્ષે ઓછામાં ઓછા એક લાખ યુવાનોને ખાનગી સેકટરમાં નોકરી મળી રહે તે માટે ટ્રેનિંગ આપવામાં આવશે.

રાજ્ય સરકાર આગામી બજેટમાં આ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવશે. બેરોજગાર યુવાનોને 1 વર્ષ સુધી સ્ટાઈપેન્ડ અને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ માટે સરકાર ખાનગી કંપનીઓ સાથે કોન્ટ્રેક્ટ કરશે. જે યુવાનોને ઓન-જોબ ટ્રેનિંગ આપશે, અને સાથે ટોકન મની પણ આપશે.

આ યોજનાને સાકાર કરી નાણાકીય અને ટેકનિકલ મદદ માટે અમે કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો છે, રાજ્ય સરકાર આ યોજના માટે રુપિયા 350 કરોડનું ફંડ ફાળવશે.