નવી દિલ્હી: 2002 ગુજરાત રમખાણોમાં દુષ્કર્મ પીડિતા બિલકિસ બાનોની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે કે, બે અઠવાડિયાની અંદર બિલકિસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર અને સાથે જ સરકારી નોકરી અને ઘર આપવાનો પણ આદેશ આપ્યો છે.
જો કે, બિલકિસ તરફથી કહેવામાં આવ્યું છે કે, હજુ સુધી સરકારે કશું જ આપ્યું નથી. સુપ્રીમ કોર્ટે આ વર્ષે એપ્રિલમાં બિલકિસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પૂછ્યું કે, હજુ સુધી વળતરની રકમ કેમ નથી ચૂકવવામાં આવી? જેના જવાબમાં સૉલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, વળતરના આદેશ વિરૂદ્ધ એક પુનર્વિચાર અરજી દાખલ કરવાની યોજના છે. જો કે કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે, વળતર અને ઘર આપવામાં આવે.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને સૂચન કર્યું હતું કે, દોષી અધિકારી, જેમણે બિલકિસ સામુહિક દુષ્કર્મ મામલાના પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો, તેમાના ઘણાને તો પુરા પેન્શનનો લાભ પણ આપવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટ પોલીસવાળાઓ પર કાર્યવાહી કરવા અંગે મહોર લગાવી દીધી હતી.
બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કહ્યું હતું કે, આ કેસમાં તેમને વધારે વળતર આપવામાં આવે. સાથે જ કહ્યું કે, જે ચાર પોલીસવાળા અને બે ડોક્ટર્સેને હાઈકોર્ટે દોષી ગણાવ્યા હતા, તેમની જાણકારી પ્રમાણે, તેમને સરકારે પાછા કામ પર રાખી લીધા હતા. કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગવાની સાથે જ બિલકિસને કહ્યું હતું કે, તે વળતર માટે અલગથી અરજી કરે.
ઉલ્લેખનીય છે કે, ગોધરા કાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણો દરમ્યાન બિલકિસ બાનો દુષ્કર્મ અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે 21મી જાન્યુઆરી,2008ના રોજ 11 આરોપીઓને ઉંમર કેદની સજા સંભળાવી હતી જ્યારે પોલીસકર્મીઓ અને ડોક્ટરો સહિત સાત આરોપીઓને છોડી મૂકાયા હતા.