ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટના સહયોગથી ખાસ 5 થી 7 જૂન દરમિયાન STI (સાયન્સ, ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન) સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગુજરાતમાં સંશોધનાત્મક પ્રવૃત્તિને વેગ આપવા માટે આ કેમ્પનું આયોજન કરાયું હતું.
5 જૂનના રોજ STI સમર કેમ્પનો પ્રારંભ થયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે PRLના ડાયરેક્ટર ડો.અનિલ ભારદ્વાજ તેમજ NCSTCના પ્રમુખ ડો.રશ્મિ શર્મા, DST વિભાગના R&D ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડો.પ્રવાકર મોહંતી, PSA કાર્યાલયના ડો. મનોરંજન મોહંતી અને ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના 27 જિલ્લાની 53 જેટલી યુનિવર્સિટી તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓના 147 પુરુષો અને 103 મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓને વિજ્ઞાન, ટેક્નોલોજી, આરોગ્ય તેમજ સામાજિક મુદ્દાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી. ઈન્ટરેક્ટિવ સેશન્સ દ્વારા સહભાગીઓને સ્થાનિક સમસ્યાઓને ઓળખી તેને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઉપયોગથી કઈ રીતે ઉકેલી શકાય તેનો પ્રયાસ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈટી દિલ્હી, પીઆરએલ, એસવીએનઆઈટી સુરત સંસ્થાના પ્રોફેસર્સ દ્વારા સંબંધિત મુદ્દા પર પેનલ ડિસ્કશન યોજાઈ હતી. જેમાં વિકસિત ભારત માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઉભરતા ક્ષેત્રો, નેનો ટેક્નોલોજી, એનર્જી સ્ટોરેજ સોલ્યુશન, ગ્રીન ટેક્નોલોજી, સેમી કન્ડક્ટર, ચિપ ડિઝાઈન, આઈઓટી સોલ્યુશન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ,વગેરે જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત કાર્યક્રમમાં સહભાગીઓને ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી સહિતની ગેલેરીઓની ગાઈડ ટૂર પણ કરાવવામાં આવી હતી. તેમજ તેમને લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બતાવવામાં આવ્યો હતો. ગુજરાત સાયન્સ સિટી અને ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં સંશોધન અને નવીનતમ સંસ્કૃતિ વિકસાવવાનો અને એ તરફ પ્રેરિત કરવાનો હતો.
