અમદાવાદઃ રાજ્યના ઉદ્યોગોની સમસ્યાઓ હલ કરવા ગુજરાત ઇન્ડસ્ટ્રી હેકાથોન 2018 10 સપ્ટેમ્બરે લોન્ચ કરાશે, જેમાં 21 જિલ્લાઓમાંથી 159 ઉદ્યોગોએ રજૂ કરેલા 250 પડકારોને ઝીલી વિદ્યાર્થીઓ એપ્લિકેશનો વિકસાવશે. ગુજરાત ઔદ્યોગિક હેકાથોનના આરંભે સમર ઈનોવેશન ચેલેન્જ 2018 અને બેસ્ટ સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એવોર્ડ એનાયત કરવામાં આવશે છે.
શિક્ષણ મંત્રાલય તરફથી વિવિધ એમએસએમઇ, મોટા ઉદ્યોગો, કોર્પોરેટ્સ અને જાહેર ક્ષેત્રના સાહસો અને સાથી સંગઠનોની સહાયતાથી ઉદ્યોગોને લગતી વિવિધ જીવંત ડીજીટલ સમસ્યાઓને એકત્ર કરવામાં આવી છે. ગત ઓગસ્ટ 2018 ના મહિનામાં આ પ્રક્રિયા દરમિયાન, ગુજરાતના કુલ 159 ઉદ્યોગોએ ગુજરાતના 21 જીલ્લાઓમાંથી લગભગ 250 પડકારો શિક્ષણ વિભાગ સમક્ષ રજુ કર્યા હતા. આના અનુસંધાનમાં 10 કોર્પોરેટ, 23 મોટા ઉદ્યોગો, 52 મધ્યમ સાહસો, 9 પીએસયુ અને 108 નાના ઉદ્યોગો આગળ આવ્યા અને તેમની ડિજિટલ સમસ્યાઓ રજુ કરી આ ઉદ્યોગો અને શિક્ષણના જોડાણમાં રાજ્યનાં યુવાનોને સામેલ કરી તેઓના નવીનીકરણને પ્રોત્સાહન અપાશે.
રસ ધરાવતા વિદ્યાર્થીઓ હેકાથોન પોર્ટલ મારફતે તેમની ટીમ રજીસ્ટ્રેશન કરશે અને ત્યારબાદ ટુંક સમયમાં જ તેમના સારાંશ / દરખાસ્ત સબમિટ કરશે. શોર્ટ લિસ્ટેડ ટીમો પ્રાદેશિક સ્તરના હેકાથોન અને ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેવા માટે વધુ કાર્ય કરશે. ગુજરાતમાં કોઈપણ શૈક્ષણિક કેમ્પસમાં કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓ છેલ્લા 5 વર્ષમાં પાસ થયા હોય તેવા કોઈપણ શૈક્ષણિક કેમ્પસના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એસ.એસ.આઇ.પી. પોલિસી મુજબના વિદ્યાર્થી ઇનોવેટર, સ્ટાર્ટ-અપ્સ, સ્કૂલના વિદ્યાર્થીઓ (ધો. 9 થી 12) જીઆઇએચ 2018 માં ભાગ લઈ શકે છે. શિક્ષણ વિભાગ ટીમોને પ્રોત્સાહન આપવા માટેના તમામ પ્રયત્નો કરશે જેથી તેઓ તેમના શ્રેષ્ઠ પ્રયાસ કરી શકે. ત્યારબાદ પોસ્ટ હેકાથોન સપોર્ટ તબક્કામાં માર્ગદર્શન, પ્રોટોટાઇપિંગ, પ્રિ-ઇન્કયુબેશન , આઈપીઆર, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ફિલ્ડ અમલીકરણ અને તેની આનુસંગિક અસરોનું વિશ્લેષણ જેવી બાબતો માટે વધારાની સહાય કરવામાં આવશે. શિક્ષણ વિભાગમાં એસ.એસ.આઇ.પી. સેલ એ જોશે કે આ પ્રોગ્રામમાંથી ઉદ્દભવતા કેટલાક શ્રેષ્ઠ અમલીકરણની શક્યતા ધરાવતા સોલ્યુશન કાર્યક્રમના અંતમાં ઉદ્યોગ દ્વારા અમલમાં આવે. જેના અમલીકરણથી એક ઉમદા હેતુ પાર પડશે.