અમદાવાદ– શહેરના આંબાવાડી વિસ્તારના ભૂદરપુરા તરફ સાંજના સમયે પસાર થાવ એટલે એક અનોખું દ્રશ્ય જોવા મળે..એ દ્રશ્ય હોય ફૂટપાથ પર સળંગ પાથરેલી બેન્ચીસ પર ભણતા બાળકોનું. છેલ્લાં કેટલાક વર્ષોથી આંબાવાડીની આ ફૂટપાથો પર ખુલ્લામાં જ નિયમિત રીતે રોજ સંધ્યાટાણે શિક્ષણની આ પ્રવૃત્તિ થઇ રહી છે. ભણવા સાથે બાળકો ગરમાગરમ નાસ્તો-ભોજન પણ આરોગીને જાય છે. ગુરુવારની સાંજે એક રોજ કરતાં કંઇક અલગ જ નજારો જોવા મળ્યો. અહીં આજુબાજુમાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓને ભણાવવા વિદેશી વિદ્યાર્થીઓ આવ્યાં હતાં.
ફ્રાન્સથી સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરુપે આવેલા વિદ્યાર્થીઓએએ ફૂટપાથ પર બેસી ભણતાં વિદ્યાર્થીઓ સાથે જ્ઞાન સાથે ગમ્મત મળે એવી રજૂઆત કરી હતી. વિદેશથી આવેલા વિદ્યાર્થીઓએ પોતે મેળવેલ જ્ઞાન અને રમતો અહીંના વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતાં. શહેરની મધ્યમાં આવેલા અને ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં વિદેશના વિદ્યાર્થીઓને ફૂટપાથ પર બેઠેલા વિદ્યાર્થીઓને ભણાવતા જોઇ કુતુહલભર્યાં દ્રશ્યો સર્જાયાં હતાં. તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ