સુરતમાં ઈદ અને ગણેશ વિસર્જન લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

હાલ દેશમાં બે તહેવારની ઉજવણી ચાલી રહી છે. સુરતમાં પણ બે બંને તહેવારની ઉજવણીને લઈ જોરશોરથી તૈયારી કરવામાં આ રહી છે. આ અગાઉ પણ સુરતમાં સૈયદપુર વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાને લઈ સુરતમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે 16 તારીખના ઈદ અને 17 તારીખના ગણેશ વિસર્જન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં ઈદ અને ગણેશ વિસર્જન મોટા પર્વની ઉજવણી સાથે શહેરમાં ઉત્સાહ, ઉમંગ જોવા મળી રહ્યો છે. સાથે જ ઉચાટભરી સ્થિતિ પણ જોવા મળી રહી છે.

 

બે દિવસ પર્વને લઈ 48 કલાક સુરત પોલીસ માટે ખૂબ જ પડકાર જનક રહેશે આ માટે સુરત પોલીસ જમીનથી લઈ આકાશ સુધીના દરેક ખુણા પર નજર રાખી રહી છે. સુરત શહેરના 25 જેટલા અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીયર ગેસના સેલ સાથે ઉભી છે. સુરત પોલીસે સ્પષ્ટ જણાવી દીધું છે કે, કોઈપણ અસામાજિક તત્વ માહોલ બગાડશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ઇદે મિલાદ પર્વ નિમિત્તે રાજમાર્ગ પર નીકળતું ઈદે-મિલાદનું જુલૂસ રદ્દ કરવાનો આવકારદાયક નિર્ણય લઈ મુસ્લિમ સમુદાયે એકતા અને ભાઇચારાના દર્શન કરાવ્યા છે. શહેરમાં વિસ્તાર પ્રમાણે 120થી વધારે જુલુસ નિકળશે. બીજી બાજુ આવતીકાલને મંગળવારે દુંદાળા દેવ ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવશે. સુરત શહેરમાં 21 કૃત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારા પર 80 હજારથી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરશે. સૈયદપુરાની ઘટના બાદ પોલીસ હાઈએલર્ટ પર છે. અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ ગણાતા 25 જેટલા પોઇન્ટ પર આવેલા 320થી વધુ ધાબા ઉપર પોલીસ તહેનાત છે. દૂરબીનથી દૂર સુધી નજર રાખી રહી છે. 16,000 પોલીસ કર્મીની ચાંપતી નજર છે. ટ્રાફિક વ્યવસ્થા માટે ટીઆરપી સહિતના જવાનો તહેનાત છે.

ગણપતિ વિસર્જન નિમિતે મોટી સંખ્યામાં ગણપતિજીની મૂર્તિઓનુ વિસર્જન કરવા પોત-પોતાના વિસ્તારમાંથી સરધસો નીકળનાર છે. આ સંજોગોમાં જાહેર જનતાના હિતાર્થે તથા સુરક્ષિત ટ્રાફિક નિયમન સરળતાથી થાય અને કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે સુચારૂ ટ્રાફિક નિયમન કરવું ટ્રાફિકની દ્રષ્ટીએ ખૂબ જ જરૂરી છે. જેથી ગણેશ વિસર્જનને લઈ કેટલાક મહત્વના રસ્તા પર પ્રતિબંધ પણ લગાવ્યો છે.