શ્રીજી પંડાલ પર પથ્થરમારા મામલો, 27 લોકોને દબોચ્યા, તપાસનો ધમધામટ યથાવત્

સુરત: રાજ્ય સહિત દેશમાં ગણપતિ મહોત્સવની ધૂમ ચાલી રહી છે. એવામાં સુરતના સૈયદપુર વરિયાવી બજારમાં ‘વરિયાવી ચા રાજા’ની સ્થાપના કરવામાં આવી છે. વાત એમ છે કે ગત રાત્રિના ગણેશ પંડાલામાં કેટલાક અસામાજી તત્વો દ્વારા કરેલા હુમલાથી ભક્તિમય વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી. રાત્રે 9 વાગ્યા બાદ 12થી 14 વર્ષના તરુણોએ રિક્ષામાં આવી પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ 6 સગીરને પકડી પોલીસને સોંપ્યા હતા. તરૂણો સહિત તમામના પિતાને પણ સગરામપુરા પોલીસ લઈ જવામાં આવ્યા હતા. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકોએ સૈયદપુરા ચોકીનો ઘેરો બનાવ્યો હતો. આ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરાયો અને 10થી વધુ ટીયરગેસ છોડાયા હતાં.

સુરતની આ ઘટના બાદ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજ્યના પોલીસ વડા આજે તમામ જિલ્લાના SP, IG તથા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે. તહેવારોના ટાળે રાજ્યમાં કોમી એકતા જળવાય અને અસાજિક તત્વો સામે કડક પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવશે. તમામ જિલ્લાઓમાં શાંતિ સમિતિ સાથે બેઠક યોજાશે.

સુરતની આ ઘટના મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતની શાંતિ ભંગ કરવાના પ્રયત્નોને ચલાવી લેવામાં આવે નહી. સૂરજનું પહેલું કિરણ નીકળે તે પહેલાં તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. કેટલાક લોકોએ તાળા મારી લીધા હતા પરંતુ પોલીસે તાળા તોડીને ઘરમાંથી બહાર કાઢ્યા હતા. હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા મરશો તો પણ તોડીને અમે બહાર કાઢીશું. જે લોકોએ પથ્થરમારો કર્યો છે તેમના વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવશે.

ગૃહ રાજ્ય મંત્રીએ એક્સ(ટ્વીટર) પર લખ્યું

હર્ષ સંઘવી એક્સ પર લખ્યું ‘સુરત શહેરમાં ગણેશ પંડાલ પથ્થરબાજીની ઘટના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં સૂર્યોદય પહેલાં જ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે. વીડિયો અને ડ્રોન વિઝ્યુઅલની મદદ વડે કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. સીસીટીવી. વીડિયો વિઝ્યુઅલ્સ, ડ્રોન વિઝ્યુઅલ્સ અને અન્ય ટેક્નોલોજીથી નજર રાખવામાં આવી રહી છે.  કોમ્બિંગ હજુ પણ ચાલુ છે. કાયદો અને વ્યવસ્થા તોડવાનો પ્રયત્ન કરનાર કોઇપણ વ્યક્તિને છોડવામાં નહી આવે. તમામ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી ટીમો પથ્થરબાજોની ઓળખ કરવામાં અને તેમને સજા અપાવવામાં આખી રાત કર્યું હતું અને હજુ  પણ ચાલુ છે. મહેરબાની કરીને ખોટા મેસેજથી સાવધાન રહો. હું અને મારી ટીમ ઘટનાસ્થળે હાજર છીએ. જય ગણેશ!’

આ ઘટના બાદ શહેરમાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. સ્થિતિ બગડે તે પહેલાં સુરત પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. સૈયદપુરા વિસ્તારમાં મોટાપાયે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યા છે. ડ્રોન વડે પોલીસ નજર રાખી રહી છે. કારણ કે કોઇપણ સ્થળે ટોળા ભેગા થાય તો તેને તાત્કાલિક ઝડપી શકાય. મળતી માહિતી અનુસરા સુરત પોલીસે હાલ સુધીમાં 27 લોકોની અટકાયત કરી છે. આ ઉપરાંત પોલીસે અલગ-અલગ ત્રણ ગુના દાખલ કર્યા છે. જેમાં મૂર્તિ પર પથ્થરમારો, બીજા ઘટનાસ્થળ પર પથ્થર મારવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘટના વિશે વધુ તપાસ ધમધમાટ શરૂ છે.