PM આવાસમાં રાજ્યવ્યાપી કૌભાંડ, ખેડૂતની ફરિયાદના આધારે નીકળ્યું બહાર

નવસારી– વડાપ્રધાન આવાસ યોજનાના નામે કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. એક ખેડૂતની ફરિયાદમાંથી માહિતી મળતાં વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાની પોલિસે સંયુક્તપણે નવસારીમાં એક ઘર પર દરોડા પાડ્યાં હતાં. પોલિસે એનજીઓ સંચાલિકાની ધરપકડ કરી છે તેમ જ કૌભાંડ સાથે જોડાયેલા અસંખ્ય દસ્તાવેજો જપ્ત કરી લીધાં છે.vasબહાર આવેલી વિગત પ્રમાણે નવસારીના તીઘરા નજીક આવેલા ક્રિસ્ટલ લક્ઝીયામાં એનજીઓના મુખ્ય સંચાલક અંકિત મહેતાના ઘેર પોલિસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એનજીઓની સંચાલિકા ભાવેશ્રી દાવડા નામની મહિલાની ધરપકડ કરી હતી. પોલિસને તેમના ઘરેથી અનેક મહત્વના દસ્તાવેજ, એટીએમ કાર્ડ્સ અને ચેકબૂકો મળી આવી હતી. પોલિસે આરોપી અંકિત મહેતા અને ભાવેશ્રી દાવડાના ઘરમાંથી બે લેપટોપ, એક ટેબલેટ, 8 મોબાઇલ ફોન, ત્રણ પેન ડ્રાઇવ, જુદા જુદા નામના રબર સ્ટેમ્પસ, વિઝિટિંગ કાર્ડ પણ જપ્ત કર્યા છે.

200 કરોડનું કૌભાંડ

વડાપ્રધાન આવાસ યોજનાના આ કૌભાંડનો આંકડો રૂ. 200 કરોડ સુધી પહોંચી શકે છે. ડાંગ જિલ્લા ઉપરાંત ગાંધીનગર અને અન્ય જિલ્લાઓમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા છે. ભાવેશ્રીએ ડાંગ જિલ્લા કલેક્ટર બી.કે.કુમાર પર સીધો આક્ષેપ લગાવ્યો હતો. મહિલા સંચાલિકાએ કલેક્ટર પર પૈસા લીધાનો આક્ષેપ કર્યો હતો. જોકે, કલેક્ટરે માધ્યમોને સ્પષ્ટતાં કરતાં જણાવ્યું હતું કે તમામ આરોપ પાયાવિહોણા છે અને પોતે તપાસમાં પૂરો સહકાર આપશે.

પોલીસનો આરોપ છે ભાવેશ્રી ગીરનારી સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલી છે, તેમ જ તે સરકારી આવાસ અને શૌચાલય બનાવવાના નામે કરોડ રૂપિયાના કૌભાંડમાં સામેલ છે. જોકે, ભાવેશ્રીની આ કૌભાંડમાં ભૂમિકા સ્પષ્ટ નથી. આ કૌભાંડનું નેટવર્ક, નવસારી, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને ડાંગ જિલ્લાઓમાં પણ ફેલાયેલું હોવાનો પોલિસે દાવો કર્યો છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે આ કૌભાંડમાં ગીરનારી સેવા ટ્રસ્ટ જ નહીં પરંતુ આવા 10થી વધુ NGO સામેલ છે. જેમાં લાભાર્થીઓને સરકારી આવાસ અપાવવાના બહાને તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો- આધાર કાર્ડ, ATM કાર્ડ, બેન્કની તમામ ડિટેઈલ્સ લઈ લેવામાં આવતી હતી. આવું કરીને NGO સંચાલકો લાભાર્થીઓના ખાતામાં જમા થતી રકમ ચાંઉ કરી જતાં હતાં. મહિલાનો દાવો છે કે આ કૌભાંડમાં અનેક મોટા માથાંઓની પણ સંડોવણી છે.