અમદાવાદઃ ભાષા અને સંસ્કૃતિ એક સિક્કાની બે બાજુ છે. ભાષા વિલુપ્ત થાય તો સંસ્કૃતિ નષ્ટ થાય એટલે સંસ્કૃતિના જતન માટે ભાષાની રક્ષા-સંવર્ધન જરૂરી છે. ભારતીય સંસ્કૃતિના જતનમાં જો કોઇ ભાષાની સુરક્ષા-સંવર્ધન જરૂરી હોય તો તે ભાષા સંસ્કૃત છે, કારણકે પ્રાચીન અખંડ ભારતનું શિક્ષણ સંસ્કૃત ભાષામાં અપાતું. આપણા વેદ, શાસ્ત્રો, વ્યાકરણ, મિમાંસા જેવા તમામ અભ્યાસગ્રંથો સંસ્કૃતમાં રચાયેલા છે. તક્ષશિલા, નાલંદા અને વલ્લભી જેવી વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠો સંસ્કૃત માધ્યમમાં શિક્ષા આપતી હતી.
વિદેશી આક્રમણો અને ગુલામીની દશામાં ભારતીય વૈદિક શિક્ષણ પદ્ધતિ ક્ષીણ થઇ અને વિદેશી પ્રભાવ સાથેની શિક્ષણ પદ્ધતિએ અનેક સમસ્યાઓ સર્જી છે, ત્યારે સંસ્કૃત ભાષાના જતન સંવર્ધન માટે ગુજરાત સરકાર અને સંસ્કૃત પાઠશાળાઓ ઉડીને આંખે વળગે તેવું કાર્ય કરી રહ્યા છે જેના કારણે જ રાષ્ટ્રીય સ્તરે યોજાતી વિવિધ સંસ્કૃત ભાષાની સ્પર્ધાઓમાં ગુજરાતના સાત-આઠ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ જીતી લાવે છે.
આવી જ એક ગુજરાત રાજ્યની રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા તા.૨૯મી નવેમ્બરથી ૧ ડિસેમ્બર દરમિયાન શ્રી વર્તન્તુ સંસ્કૃત મહાવિદ્યાલય, ભાગવત વિદ્યાપીઠ સોલા, અમદાવાદ ખાતે યોજાઇ રહી છે જેનું ઉદઘાટન એસજીવીપી ગુરુકુળ અમદાવાદના શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામીની ઉપસ્થિતિમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કરશે.
ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળના પ્રમુખ ગોવિંદભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે આ સ્પર્ધાઓમાં ભારતીય પ્રાચીન શિક્ષા પદ્ધતિ-શલાકા પદ્ધતિના દર્શન થશે. જેમાં ગુરૂજી જે ગ્રંથના પાના પર શલાકા મૂકે તે પાના ઉપરના ઋચાઓ-મંત્રો કે શ્લોક, સ્ત્રોત્ર સ્પર્ધકે મુખપાઠ બોલવો પડે છે અને તેની પ્રસ્તુતિ પરથી જે તે વિષયમાં વિજેતા નક્કી થાય છે. આ સ્પર્ધાઓમાં વિવિધ વિષયોને આવરી લેવાશે. આ સ્પર્ધાઓ વ્યાકરણ, સાહિત્ય, મીમાંસા, અષ્ટાધ્યાયી, અમરકોશ, ન્યાય, જ્યોતિષ, અંતાક્ષરી સ્વરૂપે અક્ષરશ્લોકી, કાવ્ય કંઠ પાઠ, પુરાણ-ઇતિહાસ, વેદાન્ત, સાંખ્ય, જૈન-બૌધ્ધ દર્શનશાસ્ત્ર, શ્રીમદ ભગવદગીતા કંઠપાઠ, શાસ્ત્રાર્થ વિચાર, ધર્મશાસ્ત્ર અને સમસ્યાપૂર્તિ જેવા ૨૭ વિષયોનો સમાવેશ થાય છે.
રાજ્યની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિકાસ અર્થે અને વેદ-શાસ્ત્રોના રક્ષણાર્થે ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષણ મંડળ, અમદાવાદ દ્વારા પ્રતિ વર્ષ આવા ૨૭ જેટલાં વિષયો ઉપર રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાઓ યોજવામાં આવે છે. આ રાજ્યસ્તરીય સ્પર્ધાઓમાં પ્રથમ નંબરે આવનારા છવ્વીસ જેટલાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવા મોકલવામાં આવે છે. આવી સ્પર્ધાઓમાં ગુજરાતના સરેરાશ સાત થી આઠ વિદ્યાર્થીઓ વિવિધ કૌશલ્ય ઝળકાવીને રાષ્ટ્રીય મેડલ વિજેતા બને છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ત્રણ સરકારી સંસ્કૃત પાઠશાળા, સરકારી અનુદાનિત ૩૭ સંસ્કૃત પાઠશાળા અને પાંચ સ્વનિર્ભર સંસ્કૃત પાઠશાળાઓ મળી કુલ ૪૫ સંસ્કૃત પાઠશાળાઓમાં સંસ્કૃત માધ્યમથી વેદ-શાસ્ત્રો-મિમાંસાના અભ્યાસ થાય છે જે પાઠશાળામાં ધો.૧૦ સમકક્ષ પ્રથમા, ધો. ૧૨ સમકક્ષ મધ્યમાનું શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે સ્નાતક કક્ષાના સંસ્કૃત શાસ્ત્રી અને અનુસ્નાતક કક્ષાના આચાર્ય જેવી પદવીઓ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા અપાય છે.
ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષણ મંડળ, અમદાવાદ દ્વારા યોજાનારી આ સ્પર્ધાઓ માટે રાજ્ય સરકારે આ વર્ષથી ખાસ અનુદાન પણ ફાળવ્યુ છે. આ સ્પર્ધા દ્વારા વાદે વાદે જાયતે તત્વ બોધ: સૂત્ર પ્રમાણે શાસ્ત્રાર્થ દ્વારા જ્ઞાન સંપન્ન બનવાનો પ્રયાસ થશે, સાથે સાથે સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતિના જતન સંવર્ધનનો પ્રયાસ પણ થશે.