ભાજપ પર પરેશ ધાનાણીના પ્રહાર, વાયબ્રન્ટ સમિટ છતાં વિકાસ દર તળિયે

ગાંધીનગર- રાજ્યની રુપાણી સરકાર પર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ શાબ્દિક પ્રહાર કર્યા છે. પરેશ ધાનાણીએ આરોપ લગાવ્યો છે કે, વર્ષ 2003 થી 2017 દરમિયાન યોજવામાં આવેલી વાયબ્રન્‍ટ સમિટ છતાં પણ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ દર તળીયે છે. રાજયના ઉદ્યોગો મૃતઃપાય અવસ્‍થામાં છે. ખેડૂતો અછતનો સામનો કરી રહ્યા છે ત્યારે મુખ્‍યપ્રધાને અન્‍ય રાજ્યો અને વિદેશ પ્રવાસો કરવાને બદલે રાજ્યના નાના ઉદ્યોગો અને અછતનો સામનો કરતા ખેડૂતોની ચિંતા કરવી જોઈએ.પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે, કેન્‍દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ યુપીએ શાસનની સરખામણીએ વર્ષ 2018 ઉદ્યોગ અને ખેતી માટે ઘાતક રહ્યું છે અને રાજ્યના 80 ટકા ઉદ્યોગો મંદીમાં ફસાયા છે. આઝાદી પછીથી દેશનું ગ્રોથ એન્‍જીન ગણાતું ગુજરાત જીએસટી અને નોટબંધીના કારણે અટકી પડ્યું છે.

જાન્‍યુઆરી 2019માં યોજાનાર વાયબ્રન્‍ટ સમિટમાં રાજય સરકાર સાથે પાર્ટનર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખે સ્વીકાર્યું છે કે, ગુજરાતના 80 ટકા ઉદ્યોગ મંદીની અસર હેઠળ છે. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, FIA (ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોશીએશન) એ પણ સરકારને પત્ર લખીને જણાવ્‍યું છે કે, રાજયમાં નાના અને મધ્‍યમ ઉદ્યોગોની સ્‍થિતિ કથળી રહી છે.

ગુજરાતને ટેક્ષટાઈલ્સ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે. આજે 50 ટકા ટેક્ષટાઈલ ઉદ્યોગ બંધ પડ્યા છે. જેમ્સ અને જવેલરી સેક્ટરમાં સુરત અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે વર્ષ 2017-18માં નિકાસમાં જેમ્સ-જ્વેલરીની નિકાસમાં 4.3 ટકાનો ઘટાડો થયો છે. જેને કારણે નાણાંકીય અછત ભોગવતા સુરત અને સૌરાષ્ટ્રના યુનિટ બંધ થયા છે.

પરેશ ધાનાણીએ કહ્યું કે, વેપારીઓને ઈનપુટ ટેક્સના રિફંડ સમયસર મળતા નથી. GSTમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી જોઈએ. જીઆઈડીસીમાં વપરાશ વગરના પ્‍લોટોમાં વ્‍યાજ અને દંડની વસુલાત બંધ કરવી જોઈએ. નાના અને મધ્‍યમ ઉદ્યોગોને પ્રોત્‍સાહન માટે ફંડની જોગવાઈ કરવી જોઈએ. તેમજ ગુજરાત રિટેઈલ ટ્રેડ પોલીસી જાહેર કરવી જોઈએ. ચીન અને અન્‍ય દેશો સાથે થયેલા કરારો રદ કરી સ્‍થાનિક ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવું જોઈએ.

ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં કરોડોના ખર્ચે યોજાતા વાયબ્રન્‍ટમાં રોકાણ કરવા મોટા ઉદ્યોગો એમ.ઓ.યુ. કરીને સરકાર પાસેથી કરોડોની લોન, સબસિડી, સસ્‍તી જમીન લઈને રાજ્યના સ્‍થાનિક યુવાનોને રોજગારી આપતા નથી. રાજયમાં લાખો શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો છે. રાજયમાં નાના અને મધ્‍યમ ઉદ્યોગો બંધ થવાના કારણે લાખો યુવાનો બેરોજગાર છે.

બીજી તરફ રાજ્યમાં ટાટા મોટર્સ, સુઝુકી મોટર્સ, ફોર્ડ ઈન્‍ડિયા, હોન્‍ડા મોટર સાયકલ, નિવ્‍યા ઈન્‍ડિયા, ક્રોમ્‍પ્‍ટન ગ્રીવ્‍સ, કોલગેટ પામોલીવ અને ભારત સરકારના અન્ય સાહસોમાં સ્‍થાનિક યુવાનોને 80 ટકા રોજગારી આપવાની બાંહેધરીનું પાલન કરાવવામાં રાજ્ય સરકાર નિષ્‍ફળ રહી છે.