ભાર વિનાના દફતર માટે શાળાઓ અને વાલીઓ માટે કેટલીક સૂચનાઓ બહાર પડાઈ

ગાંધીનગરઃ ધોરણ- 1 થી ધોરણ-12 માં ભણતા શાળાના વિદ્યાર્થીઓને પાઠયપુસ્‍તક ઉપરાંતના પુસ્‍તકો, માર્ગદર્શિકાઓ, સ્‍વાઘ્‍યાયપોથી, વર્ગકાર્ય, અને ગૃહકાર્યની વર્ગબૂકો, પાણીની બોટલ વગેરેને કારણે દફતરનો બોજ વધી જતા વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ન થાય તેવા હેતુ સાથે શિક્ષણ વિભાગે શાળાઓના બાળકોના દફતરનો ભાર ઓછો કરવા મહત્વનો નિર્ણય કરી આ અંગે શાળાના સંચાલકો અને વાલીઓ માટે ચોકકસ માર્ગદર્શિકા જાહેર કરી છે.

શિક્ષણ પ્રધાન ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું છે કે, ભાર વિનના દફતર અંગે  કેન્‍દ્ર સરકારે આપેલી સૂચના અને તેમના માટે નવેમ્‍બર મહિનામાં જાહેર કરેલ માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકારે તેનો તાત્‍કાલિક અમલ કરીને આ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત દફતરનું વજન કોઈ પણ સંજોગોમાં બાળકના વજનના ૧૦ ટકાથી વધુ વજન નહીં રાખી શકાય.

શિક્ષણ વિભાગના આ મહત્વના નિર્ણયની જાહેરાત કરતા શિક્ષણ પ્રધાન ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું છે કે, બાળકો પર દફતરના વધુ પડતા ભારથી પડતી શારીરિક અને માનસિક અસર અંગે અગ્રગણ્‍ય તબીબોના અભિપ્રાય મુજબ દફતરના વધુ પડતા બોજને કારણે બાળકોમાં પીઠનો દુખાવો, સ્‍નાયુઓ જકડાવા, માનસિક તણાવ, મણકાનો ઘસારો, ડોક દુખવી વગેરે જેવી બિમારી આવી શકે છે અને તેની વિપરીત અસર બાળકોની વૃદ્ધિ અને વિકાસ પર પણ થઈ શકે છે. પરંતુ હવે શિક્ષણ વિભાગના આ નિર્ણયના કારણે કુમળા બાળકો પર આવી શારીરિક અને માનસિક અસર નહીં થાય.

(પ્રતિકાત્મક તસવીર)

શિક્ષણપ્રધાન ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ વિભાગે લીધેલા આ મહત્વના નિર્ણયની જાહેરાત કરતા આજે ગાંધીનગર ખાતે પત્રકારો સમક્ષ જણાવ્‍યું હતુ કે,શિક્ષણ વિભાગે ભાર વિનાના દફતર અંગે મહત્વનો નિર્ણય લઈ શાળા સંચાલકો અને વાલીઓ માટે કેટલીક સૂચનાઓ પણ જાહેર કરી છે. ઉપરાંત શિક્ષણ વિભાગના આ મહત્વના નિર્ણયથી શિક્ષણ સાથે સંકળાયેલા ઉચ્‍ચ અધિકારીઓને આ અંગેની સત્તાવાર જાણ પણ કરાઈ રહી છે.

શિક્ષણ વિભાગે લીધેલા નિર્ણય મુજબ-

  • હવેથી વિદ્યાર્થીઓના દફતરનું વજન કોઈ પણ સંજોગોમાં તેના વજનથી ૧૦માં ભાગનું એટલે કે ૧૦ ટકાથી વધુ ન હોય તેની તકેદારી રાખવાની રહેશે.
  • જે તે શાળાની માન્‍યતાની શરતો મુજબ અભ્‍યાસક્રમ ચાલતો હોય તે શાળાઓ માટે નિયત થયેલ શૈક્ષણિક સત્તામંડળ દ્વારા માન્‍યતાપ્રાપ્‍ત થયેલ હોય તેવી પ્રિન્‍ટેડ સામગ્રીનો જ ઉપયોગ કરવાનો રહેશે. માન્‍યતા વગરની પ્રિન્‍ટેડ સામગ્રી (પુસ્‍તકો, માર્ગદર્શિકા, સ્‍વાઘ્‍યાયપોથી, નિબંધમાળા) વગેરેનો ઉપયોગ કરી શકાશે નહી
  • શાળા સંચાલકોએ શાળાનું સમયપત્રક એવી રીતે ગોઠવવાનું રહેશે, જેથી વિદ્યાર્થીઓએ દરરોજ તમામ વિષયની બધી સામગ્રી લઈને શાળામાં આવવું ન પડે.
  • ધોરણ- 1 અને 2 માં કોઈ પણ પ્રકારનું ગૃહકાર્ય વિદ્યાર્થીઓને આપવામાં ન આવે. ધોરણ- 4 થી ધોરણ-5 ના બાળકોને અડધો કલાક તથા ધોરણ- 6 અને ધોરણ- 7 અને ધોરણ- 8 માં 1 કલાકનું ગૃહકાર્ય આપવાનું રહેશે.

શિક્ષણ વિભાગે આ અંગેના ઠરાવ સાથે શાળાઓને કેટલીક સૂચનાઓ પણ આપી છે. તે મુજબ રાજ્ય સરકારે અધિકૃત કર્યા હોય તેવા શૈક્ષણિક સત્તાધિકારી દ્વારા મંજૂર કરેલ સાહિત્‍ય જ શાળામાં વાપરવાનું રહેશે. શાળાઓએ સમયપત્રક એવી રીતે ગોઠવવુ કે જેથી વિદ્યાર્થીઓએ તમામ વિષયના પાઠયપુસ્‍તક અને નોટબૂક લઈને આવવું ન પડે. દરરોજ 3 થી 4 વિષયના જ કલાસ ગોઠવવાના રહેશે.

ગૃહકાર્ય અને વર્ગકાર્યની અલગ-અલગ નોટબૂક ન રાખતા જે તે વિષય માટે એક જ નોટબૂકનો આગ્રહ રાખવાનો રહેશે જેમાં વર્ગકાર્ય અને ગૃહકાર્યનો સમાવેશ રહેશે. નિબંધ લેખનની અલગ-અલગ નોટબૂકના બદલે જે તે વિષયની નોટબૂકમાં નિબંધ લેખન કરાવવાનું રહેશે. પીવાના પાણીની બોટલના ભારથી દફતરનો બોજ વધી ન જાય તે માટે પીવાના પાણીની પૂરતી અને યોગ્‍ય સુવિધા પણ શાળાઓએ કરવાની રહેશે.

(પ્રતિકાત્મક તસવીર)

શાળા સંચાલકો ઉપરાંત વાલીઓ માટે પણ કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. તે મુજબ બાળક પોતાના સમયપત્રક મુજબ જેટલા જરૂરી છે તેટલા જ પુસ્‍તકો અને નોટબૂક લઈ જાય અને વધારાના પુસ્‍તકો કે નોટબૂક ન લઈ જાય તેનું ધ્યાન વાલીઓએ પણ રાખવું જરૂરી છે. શાળા સંચાલકો માટે જે સૂચનાઓ બહાર પાડવામાં આવી છે તેનું પાલન થાય તે માટે વાલીઓએ સહયોગ આપવો જરૂરી છે.

આપના બાળકને નિયત કરાયેલા સમય કરતાં વધુ ગૃહકાર્ય કરવુ પડતુ હોય તો શાળાના મુખ્‍યશિક્ષક અથવા આચાર્યને વાલીઓ મળીને આ અંગેનું ધ્યાન દોરી શકશે. શાળામાં પીવાના પાણીની વ્યવસ્‍થા હોય ત્‍યારે વિદ્યાર્થીઓ દફતરમાં પીવાના પાણીની બોટલ સાથે ન લે તેનું ધ્યાન પણ વાલીઓએ રાખવાનું રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]