અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોનાવાઈરસના ફેલાવાની પરિસ્થિતિ અંગે અને રોગચાળાને કાબૂમાં લેવાના પગલાંના સંચાલનમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારોની કામગીરી પર ગુજરાત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો છે. હાઈકોર્ટે સુઓ-મોટો (સ્વયં-હસ્તક્ષેપ) જનહિત અરજી નોંધાવી છે અને એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે રોગચાળાના ફેલાવા અંગે અખબારી અહેવાલો પરથી એવો નિર્દેશ મળે છે કે રાજ્ય ‘હેલ્થ ઈમરજન્સી’ સ્થિતિ તરફ જઈ રહ્યું છે. ચીફ જસ્ટિસ વિક્રમ નાથે મૌખિક આદેશ દ્વારા હાઈકોર્ટ રજિસ્ટ્રીને જ એવો આદેશ આપ્યો છે કે ‘વિષયઃ કોવિડ નિયંત્રણમાં નિરંકુશ ઉછાળો અને ગંભીર સંચાલન પ્રશ્નો’ નામે એક નવી સુઓ-મોટો PIL (જનહિત અરજી) નોંધવામાં આવે. રાજ્યમાં કોરોના-દર્દીઓના સતત વધી રહેલા આંકડા, રેમડેસિવીર ઈન્જેક્શનની અછત, હોસ્પિટલોમાં પથારીઓની અત્યંત ઓછી સંખ્યા અને સ્મશાનગૃહોની ખરાબ પરિસ્થિતિના મુદ્દાઓને ધ્યાનમાં લઈને સુઓ-મોટો જાહેર હિતની અરજી ગણીને સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.
ચેપી બીમારી કોરોનાવાઈરસના ફેલાવાને કારણે રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થિતિ અંગે હાઈકોર્ટે આ પ્રકારની આ બીજી જનહિત અરજી રજિસ્ટર કરાવી છે. પહેલી પીઆઈએલ ગયા વર્ષે નોંધવામાં આવી હતી અને તેની પર હજી નિયમિત સમયે સુનાવણી કરવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસ વિક્રમ નાથે રજિસ્ટ્રીને આદેશ આપ્યો છે કે નવી જનહિત અરજીમાં ગુજરાત સરકાર, તેના આરોગ્ય વિભાગ તેમજ કેન્દ્ર સરકારને પક્ષકારો બનાવવામાં આવે. આ જનહિત અરજી પર આજે વિભાગીય બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવશે, જેમાં ચીફ જસ્ટિસ પોતે અને ન્યાયમૂર્તિ ભાર્ગવ ડી. કારિયા સામેલ હશે. આ બેન્ચ ચીફ જસ્ટિસના નિવાસસ્થાનેથી ઓનલાઈન માધ્યમ દ્વારા સુનાવણી કરશે.
