અમદાવાદઃ અમદાવાદ-ઇન્દોર હાઇવે પરના કઠલાલ પાસેના અનારા ગામ નજીક એક અકસ્માત થયો છે. જોકે આ અકસ્માતમાં કોઈનાં મૃત્યુ નથી થયાં, પણ પરંતુ બસમાં બેઠેલા લગભગ 32 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જે પૈકી એક મહિલા અને બસના કંડકટરની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવારાર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગરથી ઝાલોદ જતી એસટી બસ નં. GJ 18 Z 3754ના ચાલકે આગળ ઊભી રહેલી એક ટ્રક સાથે બસનો અકસ્માત કર્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસનુ પડખું ચિરાઈ ગયું હતું, જેને કારણે બસમાં સવાર લગભગ 40થી વધુ પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અકસ્માત થતાં જ મુસાફરોના હોબાળાથી માહોલમાં ભય ફેલાઈ ગયો હતો. જોકે આસપાસના વાહનચાલકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવા લાગ્યા હતા. વળી, એમ્બ્યુલન્સ પણ આવી જતાં તમામ મુસાફરોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એસટી બસનું પડખું ચિરાઈ ગયું અને ટ્રેલર બસમાં અંદર સુધી ઘૂસી ગયું હતું. આ અકસ્માત બાદ ક્રેન મારફત બસને ટ્રકના પડખામાંથી બહાર કાઢવામાં આવી હતી.